જિલ્લામાં અકસ્માત અને આપઘાતમાં આઠ જણે જીવ ગુમાવ્યા

જિલ્લામાં અકસ્માત અને આપઘાતમાં આઠ જણે જીવ ગુમાવ્યા
ભુજ, તા. 19 : જિલ્લાના પૂર્વ અને પશ્ચિમ વિભાગમાં વીતેલા 24 કલાક દરમ્યાન માર્ગ અકસ્માત અને આત્મહત્યાના જુદા-જુદા આઠ કિસ્સામાં આઠ વ્યકિતના જીવન ઉપર પૂર્ણવિરામ મુકાઇ ગયું હતું. મરનારા હતભાગીઓમાં ચાર પુરુષ અને ચાર સ્ત્રીનો સમાવેશ થાય છે.  વિજપાસરનો બાઇકનો ચાલક અકસ્માતમાં કાળનો કોળિયો નખત્રાણા તાલુકામાં મંગવાણા અને જિયાપર વચ્ચે હાઇસ્કૂલ સામે આજે બપોરે ટ્રક હડફેટે આવી જવાથી બાઇકના ચાલક વિજપાસર ગામના હરજી કાનજી સેથાણિયા (ઉ.વ.45)ને મોત આંબી ગયું હતું. પોલીસના જણાવ્યા મુજબ હતભાગી હરજી બાઇકથી જઇ રહ્યો હતો ત્યારે સામેથી આવી રહેલી જી.જે.12-બી.એકસ.-7250 નંબરની ટ્રક તળે આવી જવાથી તેને આ અકસ્માત નડયો હતો. બાદમાં સારવાર માટે ભુજ ખસેડાતી વેળાએ રસ્તામાં તેણે દમ તોડયો હતો. નખત્રાણા પોલીસે ટ્રકના ચાલક સામે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. આધોઇના યુવકનો આપઘાત  બીજીબાજુ અમારા ગાંધીધામ બ્યૂરોના અહેવાલ મુજબ ભચાઉ તાલુકાના આધોઇ ગામે ઉદયપુર વિસ્તારમાં રહેતા 20 વર્ષની વયના નરેન્દ્ર મનસુખલાલ સાધુ નામના યુવકે પંખામાં વાયર સાથે મફલર બાંધી તેના વડે લટકી જઇને મોત વ્હાલું કરી લીધું હતું. રજવાડી નામની ઠંડાંપીણાંની દુકાન ચલાવતા મરનારે ગઇકાલે રાત્રે આઠથી નવ દરમ્યાન આ માર્ગ અપનાવ્યો હતો. બનાવ પાછળ નિમિત્ત કારણો હજુ સ્પષ્ટ થયા ન હોવાની વિગતો પોલીસે આપી હતી.આદિપુરમાંયે અકળ આપઘાત અકળ આત્મહત્યાની અન્ય એક ઘટના ગાંધીધામના જોડિયા નગર આદિપુર ખાતે બની છે, જેમાં 51 વર્ષની વયની રમાબેન ભાણજી લોંચાએ એસિડ પી લઇ પોતાનું આયખું ટુંકાવી લીધું હતું. પોલીસના જણાવ્યા મુજબ આ હતભાગી નિ:સંતાન પ્રૌઢ મહિલા દશ વર્ષ પહેલાં પતિ સાથે છૂટાછેડા થયા બાદ તેના પિતા સાથે રહેતી હતી. આ વચ્ચે તેણે એસિડ પી લીધા બાદ સારવાર દરમ્યાન ભુજની જનરલ હોસ્પિટલમાં તેણે દમ તોડયો હતો. આ કિસ્સામાં પણ આત્મહત્યા પછવાડેના ચોક્કસ કારણો હજુ બહાર આવ્યા નથી તેમ પોલીસે ઉમેર્યું હતું. વિદ્યુત આંચકો ભરખી ગયો દરમ્યાન ભુજ તાલુકાના નાગોર ગામના રમણીક દયારામ કાતરિયા (ઉ. વ.30) માટે વિદ્યુત આંચકો યમદૂત બન્યો હતો. પુરાસર વાડી વિસ્તારમાં બોરમાંથી મોટર કાઢવાની કાર્યવાહી દરમ્યાન લોખંડની ઘોડી ઊભી કરતા સમયે ઉપરથી પસાર થતી 11 કે.વી.ની લાઇનને ઘોડી અડકી જતાં મૃતકને જોરદાર આંચકો લાગ્યો હતો. સારવાર મળે તે પહેલાં જ આ હતભાગીનો જીવનદીપ બુઝાયો હતો તેમ પોલીસે માહિતી આપી હતી.ઝેરી દવા પીવા થકી મૃત્યુ જ્યારે લખપત તાલુકામાં નારાયણ સરોવર ખાતે ઝેરી દવા પી જવાથી શહેનાઝબેન જુશબ ભડાલા (ઉ.વ.17)ને મોત આંબી ગયું હતું. પોલીસે મરનારના કાકાએ લખાવેલી વિગતોને કેન્દ્રમાં રાખી માહિતી આપતાં જણાવ્યું હતું કે, મરનાર ભૂલથી ઝેરી દવા પી ગઇ હતી. બાદમાં સારવાર દરમ્યાન ભુજની હોસ્પિટલમાં તેણે અંતિમ શ્વાસ લીધા હતા. અકસ્માત મોત નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે.  બેભાન મળેલાં વૃદ્ધાનું મોત આ ઉપરાંત નખત્રાણા તાલુકામાં વિથોણ પાટિયા પાસેથી બેભાન હાલતમાં મળી આવેલા ગરીબાબાઇ બી. સથવારા (ઉ.વ.60) નામના મહિલાનું પણ મૃત્યુ થયું હતું. પોલીસના જણાવ્યા મુજબ રસ્તા ઉપર બેશુદ્ધ હાલતમાં પડેલા આ હતભાગીને નખત્રાણાના વિશાલભાઇ છાભૈયાએ નખત્રાણા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડયા હતા. જ્યાં સારવાર દરમ્યાન આ મહિલાએ દમ તોડયો હતો. નખત્રાણા પોલીસે મૃત્યુના કારણ સહિતની આગળની તપાસ હાથ ધરી છે.  મુંદરામાં મહિલાએ ફાંસો ખાધો મુંદરા ખાતે ગુજરાવાસ વિસ્તારમાં રહેતી જામનાબેન મનજી ઉર્ફે મનુ ભવાન ગોહિલે ગળેફાંસો ખાઇ લઇને જીવ દીધો હતો. આ મહિલાના પતિએ આ મામલે ઇશાક ઉર્ફે ડાડાડો સુલેમાન કુંભાર સામે દુપ્રેરણની ફરિયાદ લખાવી હતી. પોલીસે ફરિયાદને ટાંકીને જણાવ્યું હતું કે, ગત તા. 14મીના આરોપીએ આદર્શ ટાવર પાસે મરનાર સાથે ઝઘડો કરી તેને માર માર્યો હતો. આના કારણે લાગી આવતાં મરનારે આ આત્મઘાતી પગલું ભરી લીધું હતું. તળાવમાં ગરકાવ થયેલા એ હતભાગી વૃદ્ધની લાશ મળી તદ્ઉપરાંત નખત્રાણા તાલુકામાં જેશરવાંઢ ખાતે મૂળ છોટાઉદેપુર જિલ્લાના વતની આદિવાસી વિઠ્ઠલ છોટાભાઇ તડવી તળાવમાં ગરકાવ થયા બાદ આજે તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ માછીમારી કરવા જવા દરમ્યાન આ જીવલેણ ઘટના બની હતી. પોલીસ અને વહીવટી તંત્ર ઉપરાંત અગ્રણીઓ અને ગ્રામજનો દ્વારા ગત આખી રાત્રિ શોધખોળ બાદ અંતે આજે સવારે મૃતકનો દેહ મળી આવ્યો હતો. નખત્રાણા પોલીસે અકસ્માત મોત નોંધી છાનબીન હાથ ધરી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer