આદિપુરના દોઢ વર્ષ જૂના લૂંટના બનાવમાં સંડોવાયેલા ચાર આરોપીને ઝડપી લેવાયા

આદિપુરના દોઢ વર્ષ જૂના લૂંટના બનાવમાં સંડોવાયેલા ચાર આરોપીને ઝડપી લેવાયા
ગાંધીધામ, તા. 19 : આદિપુર નજીક જુમાપીર ફાટક પાસે દોઢેક વર્ષ અગાઉ થયેલી રોકડા રૂા. 16 લાખની લૂંટના બનાવમાં એલ.સી.બી.એ ચાર શખ્સની ધરપકડ કરી હતી. તો અન્ય ચાર શખ્સને પકડી પાડવા આગળની કવાયત હાથ ધરવામાં આવી છે.ગાંધીધામના ઓસ્લો સર્કલ નજીક અંબિકા ઓટોમોબાઇલ નામના પેટ્રોલપંપમાં કામ કરતા હરિશંકર જયનારાયણ શર્મા અને રજત વાનખેડે ગત તા. 20/11/2018ના બાઇકથી જઇ રહ્યા હતા ત્યારે જુમાપીર ફાટક નજીક ત્રણ લૂંટારુઓએ તેમને રોકાવી આંખોમાં મરચાંની ભુક્કી છાંટી છરી વડે ઇજાઓ પહોંચાડી હતી અને બાદમાં રોકડા રૂા. 16 લાખ ભરેલા થેલાની લૂંટ કરીને આ ત્રણેય  બુકાનીધારી શખ્સો નાસી ગયા હતા.જે-તે વખતે ચકચાર જગાવનારા આ બનાવમાં એલ.સી.બી.એ ચોક્કસ બાતમીના આધારે ચાર શખ્સને ઉપાડી લીધા હતા. ગાંધીધામના સુભાષનગર, જલારામ સોસાયટીમાં રહેતા હર્ષ દશરથ ઠક્કર, 9-બી પ્રજાપતિ સોસાયટીમાં રહેતા દીપક રમેશ ઠક્કર, મેઘપર બોરીચીના ચંદ્રેશ ઉર્ફે કાંચો વિનોદ ભાટિયા અને કરણ વિનોદ ભાટિયા નામના શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. આ કાવતરામાં સામેલ હરેશ અશોક મકવાણા, મહેન્દ્ર ઉર્ફે મેન્દુ ભચુ ગોહિલ, વિનોદ ઉર્પે વીર વાઘેલા અને અંજારના સાગર નાઇને પકડી પાડવા પોલીસે આગળની ગતિવિધિ હાથ ધરી છે. પોલીસે જણાવ્યું હતું કે, ચંદ્રેશ ઉર્ફે કાંચો, મહેન્દ્ર ઉર્ફે મેન્દુ અને વિનોદ ઉર્ફે વીર નામના શખ્સોએ લૂંટના બનાવને અંજામ આપ્યો હતો, જ્યારે અન્ય શખ્સો આ પૂર્વ આયોજિત કાવતરામાં સંડોવાયેલા છે. પકડાયેલા ચાર શખ્સ પાસેથી બાઇક નંબર જીજે- 12-સીબી- 3249 જપ્ત કરવામાં આવી હતી. એલ.સી.બી.ના પી.આઇ. ડી. વી. રાણા અને સ્ટાફ આ કામગીરીમાં જોડાયો હતો. પકડાયેલા શખ્સોને અંજાર પોલીસના હવાલે કરાયા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer