ત્રાસની ફોજદારી કરનારનો પરિવાર નાત બહાર

રાપર, તા. 19 : રાપર તાલુકાના બાદરગઢ ગામમાં રહેનારી એક પરિણીતાને તેના સાસરિયાઓએ બાળકી સાથે કાઢી મૂક્યા બાદ આ અંગે મહિલા પોલીસમથકે ફરિયાદ નોંધાઈ હતી. બાદમાં સમાજના અમુક લોકોએ ભેગા મળી આ ભોગગ્રસ્ત યુવતીના પરિવારજનોને નાત બહાર કર્યા અંગે રેન્જ આઈ.જી.ને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી હતી.  બાદરગઢમાં રહેનાર પ્રેમિલાબેનના લગ્ન ગત તા. 1/5/2014ના મુંબઈના કૈલાસ સવજી ગોઠી સાથે થયા હતા. તેમના લગ્નજીવન દરમ્યાન તેમને એક દીકરીની પ્રાપ્તિ થઈ હતી. દીકરીના જન્મના કારણે આ પરિણીતાને તેના સાસરિયા દ્વારા તેને શારીરિક, માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. આ અંગે પરિણીતાએ આદિપુર મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ મથકે આ ફરિયાદના કારણે બાબુ બેચરા બારવડિયા અને રાપરના પરબત સામા કારોત્રાએ આ પરિણીતા અને તેમના કુટુંબનો બહિષ્કાર કર્યો હતો. તેમના પરિવારને વારંવાર હડધૂત કરી કોઈના પણ પ્રસંગે આ પરિવારને કોઈ બોલાવે તેના ઉપર પણ દંડની વસૂલાત કરવામાં આવે છે. આ યુવતી અને તેમના પરિવારનું જીવવું દુષ્કર કરી નાખવામાં આવ્યું છે. અગાઉ પણ આ બન્ને વિરુદ્ધ ગત તા. 29/5/2019નાં રાપર પોલીસ મથકે અરજી કરાઈ હતી, પરંતુ પોલીસ દ્વારા યોગ્ય પગલાં લેવાયાં નથી તેવું જણાવાયું છે. ત્રીસ લાખ આપો તો સમાજમાં રહેવા મળશે તેવી ધમકી અપાયાનું જણાવાયું છે.  નાત બહાર કરવાના આ બનાવમાં યુવતીએ બોર્ડર રેન્જના આઈ.જી. સુભાષ ત્રિવેદીને લેખિત રજૂઆત કરી આ લોકોથી રક્ષણ આપવા અથવા પોતાની બાળકી સાથે અંતિમ પગલું ભરવાની ચીમકી પણ આપવામાં આવી હતી.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer