ધમડકાના વેપારી વિમાન ટિકિટનું રિફંડ મેળવવા ગયા ને રૂા. 99 હજાર ગુમાવ્યા

ગાંધીધામ, તા. 19 : અંજાર તાલુકાના ધમડકા ગામમાં એક વેપારીની વિમાનની રદ થયેલી ટિકિટના રિફંડના બહાને એક શખ્સે તેની સાથે રૂા.99,990ની ઓનલાઇન છેતરપિંડી કરી હતી.ધમડકામાં રહેતા અને કચ્છી હેન્ડી ક્રાફટનો વ્યવસાય કરતા ઇકબાલ  હુશેન ખત્રીએ આ બનાવ અંગે દુધઇ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ આધેડે સુરતથી કલકતાની વિમાનની ટિકિટ બુક કરાવી હતી. જે રદ થતાં ટિકિટના રૂપિયા પરત લેવા માટે તેમણે ગૂગલમાંથી યાત્રા એપ્લિકેશનનાં હેલ્પ લાઇન નંબર મેળવ્યા હતા. આ નંબર ઉપર ફોન કરતાં સામે છેડે હિન્દીભાષી રાકેશ શર્માએ ફોન ઉપાડયો હતે.આ ઠગબાજે ફરિયાદી પાસેથી પી.એન.આર. નંબર માંગ્યા હતા. અને તમારું રિફંડ હોલ્ડ ઉપર હોવાનું કહ્યું હતું. બાદમાં એની ડેસ્ક એપ્લિકેશન મોબાઇલમાં ડાઉનલોડ કરવા કહ્યું હતું. પછી પોતાના નંબર આપી તમારા મોબાઇલમાં સંદેશ આવ્યા છે તે મારા મોબાઇલ ઉપર મોકલવાનું કહ્યું હતું. આ ફરિયાદીએ તેવું કરતાં તેમના ખાતામાંથી 10 વખત રૂા. 9,999 ઉપડી ગયાના બેંકમાંથી સંદેશા અવ્યા હતા. પોતે ઠગાઇ ગયા હોવાનું જાણી તેમણે ફોન કાપી નાખ્યો હતો. તેમના ખાતામાંથી ઠગબાજે રૂા. 99,990 ઉપાડી લીધા હતા. ગત તા. 15-8ના બપોરે બનેલા આ બનાવ અંગે પોલીસે છેક ગઇકાલે ફરિયાદ નોંધી   હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer