પચ્છમમાં પીવાનાં પાણીની પીડા, માંગ બુલંદ બની

પચ્છમમાં પીવાનાં પાણીની પીડા, માંગ બુલંદ બની
મુસા સુમરા દ્વારા-  સુમરાપોર (પચ્છમ), તા. 18 : ભુજ તાલુકાના સરહદી પચ્છમ વિસ્તારમાં શિયાળાની સિઝનમાં પાણીની વિકટ તંગી સર્જાતા હવે આવનારા ઉનાળામાં કપરા કાળના દિવસો કેવા જશે ? એ જ પચ્છમના નાગરિકોને પાણીની પીડા સતાવી રહી છે. સરહદને અડીને આવેલા ગામડાંઓના માનવી અને પ્રજાજનો પાણી માટે તરસી રહ્યા હોવાના ગામડાંઓથી જાગૃત આગેવાનો અને સરપંચોએ જણાવ્યું હતું. પાણીની રાવ વધુ આ પંથકમાં બુલંદ બની હતી. હજી તો શિયાળાની સિઝન પૂરી થઈ નથી અને આવી શિયાળાની સિઝનમાં પાણીની જરૂરિયાત પણ ઓછી હોય છે તો વળી પાછોતરા વરસાદથી પશુઓ માટે પાણી હજી પણ એકાદ-બે મહિના ચાલે એવું તળાવોમાં પાલર પાણી છે. છતાં માનવીઓ માટે અત્યારથી જ પાણીની તંગીની પીડા સર્જાતા હવે પચ્છમના લોકો માટે આવનારા દિવસો તકલીફવાળા બનશે એવું જાગૃત લોકો જણાવી રહ્યા છે. પાણીની વર્ષોથી પીડા ભોગવતો આ પંથક પાણી પુરવઠા બોર્ડની અનેક પાણી ક્ષેત્રે કલ્યાણકારી યોજનાઓ અને મસમોટી ગ્રાન્ટોની ફાળવણીની જાહેરાતો વગેરે વગેરે આ પાંચાડાની પાણીની તરસ બુઝાવી શકી નથી. ઘણાબધા ગામડાંઓમાં પાણીના મોટા મોટા સમ્પ, ટાંકાઓ, પાણીના બોરની યોજના હોય પણ આ વિસ્તારમાં પાણી પહોંચાડવાનું માઈક્રોપ્લાનિંગ વગેરેનો અભાવ અને કર્મચારીઓની ફરજ પ્રત્યે લાપરવાહી વગેરે પરિબળોથી આ વિસ્તાર કાયમી પાણી માટે પછાતપણું અનુભવી રહ્યો છે. કુરન ગ્રા.પં.ના સરપંચ સોઢા લખાજી વેલાજીએ જણાવ્યું કે, હવે પાણીનો પ્રશ્ન એક મોટું ગંભીર રૂપ ધારણ કરી રહ્યું છે. દસથી બાર દિવસ બાદ ક્યારેક કુરન ગામમાં પાણી આવે છે. મોટી વસતી હોવાના કારણે પાણી ક્યારેક એ પણ અપૂરતું પડે છે. લાંબી રજૂઆતો અધિકારીઓના કાને સંભળાતી નથી. સુપરવાઈઝરની બેદરકારી છે. શિયાળામાં પણ ખાનગી ટેન્કરથી લોકો પાણી મેળવી રહ્યા છે. પાણીની સમસ્યા ખૂબ જ વિકટ બની રહી છે. તો કોટડા  (ખાવડા) ગ્રા.પં.ના સરપંચ સમા અલારખા ગફુર જણાવે છે કે, કોટડા અને મોટા ગામમાં પાણીની ખૂબ જ ગંભીર સ્થિતિ છે. પાઈપ લાઈનથી પાણી માંડ માંડ પંદરેક દિવસે મળે છે. જેમાં ઘણાબધા પાણી માટે ઝઘડાઓ થાય છે. હવે પાણી માટેના વાદ-વિવાદ વગેરે ગંભીર રૂપ ન લે એવી પણ પાણીની તરસની સાથે સાથે દહેશત સતાવી રહી છે. ધ્રોબાણા ગ્રા.પં. હેઠળના ગામોની પણ એ જ હાલત છે. ધ્રોબાણા હુસેનીવાંઢ, સુમરાપોર વગેરે ગામોમાં પાણીની દિનપ્રતિદિન સ્થિતિ ગંભીર બની રહી છે. સુમરાપોર ગામના મુસાણીવાસમાં દર ચોથા-પાંચમા દિવસે એક ખાતાકીય સરકારી ટેન્કર મારફતે પાણી લાંબી રજૂઆતો બાદ અપાય છે પણ આ એક ટેન્કરથી પાણી પૂરું થાય કેમ ? ઉલટાનું આ ટેન્કરથી વાદ-વિવાદો જન્મે છે અને નાના-મોટા ઝઘડાઓનું નિર્માણનું માધ્યમ બને છે. મુસાણીવાસની બાજુમાં બોરથી પાણી અપાશે અને મોટા પાણીનો સમ્પ ટાંકો તો સાતેક માસ પહેલાં બનાવી દેવાયો પણ હવે પાણીથી ક્યારે ભરાશે એની રાહ ગ્રામજનો જોઈ રહ્યા છે. પાણીનો મોટો ટાંકો બનતા જોઈ લોકો રાજી થયા કે હવે પાણીની તરસ બુઝાશે પણ સાતેક મહિનાથી ટાંકાનું કામ પૂર્ણ થઈ ગયું અને લાઈન જ બાકી છે. હવે લાઈનનું કામ વહેલી તકે પૂર્ણ કરી લોકોને પાણી પૂરું પડાય એવું ગ્રામજનો જણાવી રહ્યા છે. નાના-મોટા દિનારા ગ્રામ પંચાયતોમાં પણ આવી જ પરિસ્થિતિ હોવાનું લોકો જણાવી રહ્યા છે તો પાણીની ખૂબ જ મોટી તંગી ભોગવતું હરહંમેશ રતડિયા ગ્રામ પંચાયતના જૂથના ગામો અને વાંઢો ભોગવે છે. જેમાં નાના પૈયા ગામે પાણીનો મોટો સમ્પ (ટાંકો) આઠેક માસ પહેલાં લાખો રૂપિયા આખી પ્રોજેક્ટની યોજનાથી બનાવી આપ્યો પણ હવે પાણી ક્યારે અને ક્યાંથી આવશે એની ચિંતા સાથે ભુજ તાલુકા પંચાયતના વિપક્ષના નેતા જુમા અલીમામદ સમા જણાવે છે. હવે પચ્છમ વિસ્તારમાં પાણીની તંગી એક માનસિક પીડાની જેમ પચ્છમવાસીની જનતાને ઘેરી વળી છે. ઉનાળાના ધોમધખતા તાપના દિવસો હવે કેવા જશે ? એના વિચારમાં લોકો વ્યસ્ત બન્યા છે. ઘણીબધી રજૂઆતો છતાં પાણીના જેના પર મુખ્ય દારોમદાર છે એવા સુપરવાઈઝર ભાગ્યે જ ગામોમાં મુલાકાત લેવાની તસ્દી લે છે અને પાણીની રાવ હવે ચારેકોર બુલંદ બની રહી છે. ત્યારે માત્ર પાણીની જાહેરાતો તો મોટી મોટી તંત્ર તરફથી કરાઈ રહી છે. પણ પાણી તો જાય છે ક્યાં ? હવે પાણીની કાયમી તરસ બુઝાય અને આ પીડાથી કાયમી મુક્તિ મળે એવા પ્રયાસો તંત્ર તરફથી હાથ ધરાય એવી માગણી લોકો કરી રહ્યા છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer