30 લાખ રુદ્રાક્ષ જડિત શિવલિંગનો અભિષેક

30 લાખ રુદ્રાક્ષ જડિત શિવલિંગનો અભિષેક
ભુજ, તા. 18 : 30 લાખ રુદ્રાક્ષથી નિર્મિત મહા શિવલિંગના સાંનિધ્યમાં 19મીથી શિવ મહાપુરાણ કથાનો પ્રારંભ થશે. આ કથાની તૈયારીઓને આખરી ઓપ અપાઇ ચૂક્યા બાદ આજે પત્રકાર મિલનમાં તે અંગેની જાણકારી અપાઇ હતી. ભુજ-મિરજાપર રોડના જયનગર બસ સ્ટેન્ડ સામેના મેદાન ખાતે `કૈલાસ માનસરોવર ધામ'માં યોજાનારી આ કથામાં ચાર-ચારવાર લિમ્કા બુક રેકોર્ડથી સન્માનિત ધરમપુર (વલસાડ)ના શિવ કથાકાર બટુકભાઇ વ્યાસના વ્યાસાસને યોજાનારી કથામાં આયોજક સમિતિના ગોસ્વામી ઇશ્વરગિરિ શ્યામગિરિએ સૌને આવકારી આચાર્ય પંકજભાઇ વ્યાસની હાજરીમાં આયોજિત આ કથાની શોભાયાત્રા આવતીકાલ બુધવારે બપોરે 3 વાગ્યે ભુજના સ્વામિનારાયણ મંદિરથી વાજતે-ગાજતે નીકળી કથા મંડપ પહોંચ્યા બાદ 30 લાખ રુદ્રાક્ષથી નિર્મિત પાંત્રીસ ફૂટના શિવલિંગને સંતો-મહંતોના હસ્તે અભિષેક કરી લોકો માટે દર્શનાર્થે ખુલ્લું મુકાશે, ત્યારબાદ કથારંભ થશે. સાંજે 6.15 વાગ્યે 108 દીવાની આરતી યોજાશે. કથાકાર બટુકભાઇ વ્યાસે જણાવ્યું હતું કે, એક રુદ્રાક્ષ એક શિવલિંગ બરાબર છે, જેથી એક લોટા અભિષેકથી એક સામટે 30 લાખ શિવલિંગનો અભિષેક થશે જેનો શિવભક્તો લાભ લઇ શક્શે. કથા માટે વિશાળ ડોમ-મંડપ બનાવાયો છે, જેમાં 27મી સુધી દરરોજ 3થી 6 કથા યોજાશે. આ શિવ મહાપુરાણ કથાની આયોજન સમિતિના ઇશ્વરગિરિ ઉપરાંત માવજીભાઇ પી. ગુંસાઇ, શૈલેન્દ્રસિંહ જાડેજા, દિનેશ ઠક્કર-માધાપર, નરેશભાઇ સોમૈયા, ઘનશ્યામ સી. ઠક્કર, લગધીરસિંહ જાડેજા અને મહેશગિરિ ગોસ્વામી દ્વારા તૈયારીને આખરી ઓપ અપાઇ ચૂક્યો છે અને આ ધર્મનો અત્યંત મોટો કાર્યક્રમ ઘરઆંગણે છે ત્યારે ભક્તો અભિષેક ઉપરાંત કથાશ્રવણનો લાભ લે તેવો અનુરોધ કરાયો હતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer