જેસરવાંઢમાં માછીમારી કરવા જતાં વૃદ્ધ તળાવમાં ગરકાવ

જેસરવાંઢમાં માછીમારી કરવા જતાં વૃદ્ધ તળાવમાં ગરકાવ
ગઢશીશા (તા. માંડવી), તા. 18 : નખત્રાણા તાલુકાના જેસરવાંઢ ખાતે આવેલા તળાવમાં ખેતમજૂરી કરતા મૂળ નવા ટીમ્બરવાળા ગામ તા. જેતપુર પાવઇ જિ. છોટા ઉદેપુરના વિઠ્ઠલભાઇ તળવી (ઉ.વ.60) બપોરે 2થી 4ના સમયગાળામાં માછીમારી કરવા જતા તળાવમાં ગરકાવ થઇ જતાં મોડી રાત્રિ સુધી વહીવટીતંત્ર તળાવમાંથી શોધખોળથી કવાયત જારી રાખી છે અને ભારે જહેમત બાદ પણ રાત્રે 10.30 વાગ્યા સુધી ભાળ ન મળતાં વધારાની ટીમ કામે લગાડાઇ છે. આ કામગીરીની જાણ ગ્રામજનોએ વહીવટીતંત્રને કરતાં  નખત્રાણા મામલતદાર એ.એન. સોલંકી, ના. મામલતદાર અર્જુનભાઇ દેસાઇ, ભાવિનભાઇ ધનાણી, બી.બી. પટેલ, તલાટી જેન્તીભાઇ મહેશ્વરી, સરપંચ વિજયસિંહ જાડેજા, અગ્રણી હીરાસંગ જાડેજા, ભુજ નગરપાલિકા ટીમના દિલીપ ચૌહાણ, પોલીસ સ્ટાફના અશોક પટેલ સહિતની ટીમે શોધખોળ માટે જહેમત ઉઠાવી છે. તો વ્યકિત તળાવમાં ગરકાવ થઇ છે તેમના સગા-સંબંધીઓને પણ જાણ કરાઇ છે. બનાવના પગલે  વિસ્તારમાં ચકચાર જાગી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer