ભુજના પાદરમાં એકસાથે 11 ઘરનાં તાળાં તૂટયાં

ભુજના પાદરમાં એકસાથે 11 ઘરનાં તાળાં તૂટયાં
ભુજ, તા. 18 : છેલ્લા કેટલાક દિવસોથી પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લામાં પોતાની રીતસરની આણ વર્તાવી રહેલા તસ્કરોએ તેમની પ્રવૃતિની પરાકાષ્ઠા સર્જતાં આ નગરની ભાગોળે માધાપરની હદમાં આવતી ગોકુલધામ સોસાયટી ખાતે એકસાથે 11 મકાનના તાળાં તોડીને રીતસરનો હાહાકાર મચાવી દીધો હતો. તો બીજીબાજુ નખત્રાણા તાલુકાના જીયાપર ગામે સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડીઆના એ.ટી.એમ.ને તોડી તસ્કરીનો પ્રયાસ કરાયો હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. તસ્કરોનો તરખાટ અવિરત રાખતી એક જ દિવસમાં બનેલી આ વધુ બે ઘટના પૈકી ભુજના પાદરમાં માધાપર ગામની હદમાં આવેલી ગોકુલધામ સોસાયટીમાં ગતરાત્રિ દરમ્યાન એકસાથે 11 મકાનના તાળાં તોડીને હરામખોર તત્વોએ કાયદાના રક્ષકોને પોતાની તાકાતનો રીતસરનો પરચો જાણે બતાવ્યો હતો. આ બનાવમાં વ્યવસાયે જીવન વિમા નિગમમાં વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા મૂળ પશ્ચિમ બંગાળના વતની રાજકુમાર અમિતકુમાર ઘોષના મકાનનું તાળું તોડીને ભોંગતળિયે આવેલા શયનકક્ષના કબાટમાંથી રા. 64 હજારના સોનાના દાગીના અને રૂા. બાર હજાર રોકડા મળી કુલ્લ રૂા. 76 હજારની માલમતા તફડાવાઇ હતી.  પોલીસ સાધનોએ આપેલી જાણકારી અનુસાર શ્રી ઘોષના ઘર ઉપરાંત નજીકમાં જ રહેતા ઓમપ્રકાશ યાદવના ઘરમાંથી પણ આ જ ઢબે તસ્કરી થઇ છે. અલબત ત્યાંથી કેટલી માલમતા ગઇ તે હજુ સ્પષ્ટ થયું નથી. આ કિસ્સામાં આ બે મકાન સહિત કુલ્લ 11 મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા. મોટાભાગના મકાનના તાળા તોડી હાથ મારવાનો પ્રયાસ કરાયો હતો. જો કે અન્ય મકાનોમાંથી ખાસ કોઇ માલમતા ચોરાયાની વિગતો બહાર આવી નથી. બનાવની જાણ થતા તપાસનીશ બી. ડિવિઝન પોલીસનો કાફલો સ્થાનિકે દોડી જઇને તપાસમાં પરોવાયો હતો. તસ્કરોની ભાળ મેળવવા ગુનાશોધક ગંધપારખુ શ્વાન અને હસ્તરેખા નિષ્ણાતોની મદદ પણ લેવામાં આવી રહી છે.રાત વચ્ચે એકસાથે 11 મકાન તસ્કર તત્વોના હડફેટે ચડતા નોંધપાત્ર વસ્તી ધરાવતા ગોકુલધામ અને આસપાસના રહેણાંક વિસ્તારના લોકોમાં ચિંતાની લાગણી ફેલાઇ છે. આ કિસ્સામાં જેમને ત્યાંથી 76 હજારની માલમતા તફડાવાઇ છે તે શ્રી ઘોષ અને તેમના પરિવારના સદસ્યો ઉપરના માળે આવેલા શયનકક્ષમાં નિદ્રાધીન હતા ત્યારે નીચેના મજલેથી ચોરી કરાઇ હતી. બીજીબાજુ જીયાપર ગામે સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડીઆના એ.ટી.એમ.ને તોડવાના પ્રયાસ સાથે ચોરીની કોશિષ થઇ હતી. આ બાબતે બેન્કના મેનેજર રામાસિંગ શ્રીરામકિશન મીણાએ લખાવેલી ફરિયાદ મુજબ ગતરાત્રિ દરમ્યાન આ તસ્કરી થઇ હતી. સદભાગ્યે તસ્કરોનો વ્યાયામ એળે ગયો હતો અને તેમના હાથે કોઇ રકમ આવી ન હતી. નખત્રાણા પોલીસે સી.સી. ટી.વી.ના ફ્|ટેજના અભ્યાસ સાથે આગળની છાનબીન હાથ ધરી છે. તેમ પોલીસ સાધનોએ ઉમેર્યું હતું.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer