ઊર્મિનો કિસ્સો એ આપઘાત નહીં, પણ હત્યા

ઊર્મિનો કિસ્સો એ આપઘાત નહીં, પણ હત્યા
ભુજ, તા. 18 : શહેરમાં ડો. બાબાસાહેબ આંબેડકર કન્યા છાત્રાલય ખાતે રહીને અભ્યાસ કરતી મૂળ ભુજોડીની છાત્રા ઊર્મિ અરજણભાઇ સીજુના આપઘાત કેસને લઇને આજે અનુ. જાતિ અને લઘુમતી સમાજના વિવિધ સંગઠનોએ મૃતકના માતા-પિતાને સાથે રાખીને મૌન રેલી કાઢી જિલ્લા સમાહર્તા અને પોલીસવડાને આવેદનપત્ર આપ્યું હતું. આ કિસ્સો આત્મહત્યા નહીં, પણ હત્યા હોવાનો સ્પષ્ટ આરોપ મૂકી પોલીસની અત્યાર સુધીની તપાસ પરત્વે અસંતોષ દાખવાયો હતો. તો સઘન અને તટસ્થ છાનબીન દ્વારા સત્ય બહાર લાવવા સીટની રચના કરવા અને જવાબદાર મનાતા લોકો સામે ગુનો દાખલ કરવા સહિતની માગણી મુકાઇ હતી. અનુ. જાતિની કન્યાઓ માટેના ડો. બાબાસાહેબ આંબેડકર છાત્રાલય ખાતે રહીને શહેરમાં ઇન્દ્રાબાઇ ગર્લ્સ હાઇસ્કૂલમાં ધોરણ 11માં અભ્યાસ કરતી મૂળ ભુજોડી ગામની ઊર્મિ સીજુ નામની છાત્રાએ ગત અઠવાડિયામાં ગળેફાંસો ખાઇને આપઘાત કર્યો હતો. આ પ્રકરણમાં પોલીસ હજુ સુધી ઘટના પછવાડે નિમિત્ત બનેલાં કારણો ન શોધી કાઢવા સાથે ધારી છાનબીન ન કરી શકતા સંબંધિતોમાં રોષ અને આક્રોશની લાગણી ફેલાઇ છે. આ બાબતનો પડઘો પાડવા આજે મૌન રેલી કાઢી વિરોધ પ્રદર્શિત કરાયો હતો. મૌન રેલીના અંતે સમાહર્તા અને એસ.પી.ને અપાયેલા લેખિત આવેદનપત્રમાં આગામી સાત દિવસમાં સંતોષજનક કાર્યવાહી ન કરાય તો જિલ્લાભરમાં દેખાવો, પ્રદર્શનો, ધરણા અને રેલી સહિતના કાર્યક્રમો આપવાની તૈયારી બતાવાઇ હતી. ભારતીય મહિલા અત્યાચાર વિરોધી મોરચો ગુજરાત પ્રદેશ, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ, અખિલ કચ્છ મુસ્લિમ હિતરક્ષક સમિતિ તથા અનુ. જાતિના વિવિધ સંગઠનોએ સાથે મળીને મૃતક ઊર્મિના માતા-પિતાને સાથે રાખીને ભુજમાં આજે આ મૌન રેલી કાઢી હતી. જિલ્લા ન્યાયાલય પાસે આવેલી ડો. આંબેડકરની પ્રતિમા પાસેથી આરંભાયેલી આ મૌન રેલી જ્યુબિલી ગ્રાઉન્ડ થઇને કલેકટર કચેરી અને બાદમાં એસ.પી. કચેરીએ પહોંચી હતી જ્યાં બન્ને અધિકારીને આવેદનપત્ર વિવિધ સંગઠન દ્વારા અપાયા હતા. ભારતીય મહિલા અત્યાચાર વિરોધી મોરચા ગુજરાત પ્રદેશ દ્વારા પ્રમુખ નરેશભાઇ મહેશ્વરીની આગેવાની તળે અપાયેલા આવેદનપત્રમાં એવી રજૂઆત કરાઇ હતી કે, ઊર્મિનો આત્મહત્યા કેસ ખરેખર હત્યા છે કે કેમ તે માટે રેન્જ આઇ.જી.ના વડપણ હેઠળ સીટની રચના કરવી જોઇએ, તો છાત્રાલયને સંલગ્ન અને અન્ય જવાબદારો સામે ફરિયાદ નોંધવામાં આવે તેવી માગણી કરાઇ હતી, તો ગૃહમાતા સામે જોહુકમી સહિતના આરોપ મુકાયા હતા. આ આવેદનપત્રમાં અનશન ઉપર બેઠેલી એલ.આર.ડી. મહિલાઓ અને ભુજની સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટયૂટના મુદ્દે પણ રજૂઆત કરી જવાબદાર ટ્રસ્ટીઓ સહિતના સામે ગુના દાખલ કરવા ઉપર ભાર મુકાયો હતો. જ્યારે અખિલ કચ્છ મુસ્લિમ હિતરક્ષક સમિતિએ અધ્યક્ષ ઇબ્રાહીમભાઇ હાલેપોત્રાની રાહબરી તળે અપાયેલા આવેદનપત્રમાં ઊર્મિ સીજુના અને ભુજ સહજાનંદ કોલેજના મુદ્દા ઉઠાવાયા હતા, તો મહિલાઓ ઉપર થતા અત્યાચારો બાબતે છેલ્લે સુધી લડી લેવાની લડતને સમિતિ દ્વારા સમર્થન જાહેર કરાયું હતું.  મૌન રેલી અને આવેદનપત્રના આ સમગ્ર કાર્યક્રમમાં નરેશભાઇ મહેશ્વરી, સામાજિક કાર્યકર એચ.એસ. આહીર, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના જિલ્લા ઉપપ્રમુખ હિતેશભાઇ મહેશ્વરી, મીડિયા કન્વીનર વિશાલ પંડયા ઉપરાંત શિવજી ધેડા, જાકબ જત, અરવલ્લીના અગ્રણી રમેશભાઇ મહેશ્વરી ઉપરાંત આગેવાનો દાનાભાઇ બડગા, દિનેશભાઇ મારવાડા, ગોપાલભાઇ મકવાણા, માજી ફોજદાર ખીમજીભાઇ મકવાણા, મૃતક ઊર્મિના પિતા અરજણભાઇ વિશ્રામભાઇ સીજુ અને માતા ઇન્દુબેન તથા વાલુબેન મંગરિયા, ગભુભાઇ મંગરિયા, અતુલ ગરવા, અરાવિંદ મકવાણા, મહેશ બુચિયા ઉપરાંત અખિલ કચ્છ મુસ્લિમ હિતરક્ષક સમિતિના અધ્યક્ષ ઇબ્રાહીમભાઇ હાલેપોત્રા, મહામંત્રી સતાર માંજોઠી, લખપત તાલુકાના પ્રમુખ હાસમભાઇ નોતિયાર, પ્રવકતા હુશેનભાઇ રાયમા, રજાકભાઇ લંઘા વગેરે તથા બી.એસ.પી.ના અધ્યક્ષ લખુભાઇ વાઘેલા, અગ્રણીઓ દત્તેશ ભાવસાર, અનિલ યાદવ, મામદભાઇ લાખા, નૂરમામદભાઇ સમા, છાયાબેન પંચાલ, કૌશલ્યાબેન પટેલ, શિવજીભાઇ સંઘાર વગેરે સહિતનાઓ જોડાયા હતા.  દરમ્યાન આવેદનપત્ર અપાઇ ગયા બાદ મહિલાઓ સમાહર્તાને અલગથી મળી હતી અને તેમણે વિવિધ મુદ્દે રજૂઆતો-ફરિયાદો કરી હતી.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer