ભાજપ સરકારમાં ખેડૂતો વધુ પાયમાલ બન્યા

ભાજપ સરકારમાં ખેડૂતો વધુ પાયમાલ બન્યા
અંજાર, તા. 18 : કચ્છ સહિત રાજ્યમાં કોંગ્રેસ પક્ષનો પાયો વધુ મજબૂત કરવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિતભાઇ ચાવડા આજે અંજાર પહોંચ્યા હતા. તેમણે કચ્છમાં અંજાર બાદ માંડવીમાં સભાઓ યોજી  સંવાદ કાર્યક્રમની શરૂઆત કરી હતી. રાજ્ય અને કેન્દ્રની વર્તમાન ભાજપ સરકાર વિરુદ્ધ ખૂલીને ચર્ચા કરી જણાવ્યું કે, કોંગ્રેસ પક્ષની રચના સત્તાપ્રાપ્તિના હેતુથી નહીં પણ ભારતના નાગરિકોને સ્વાધીનતા અને તેમના અધિકારોની પ્રાપ્તિ થઇ શકે તેમજ દેશના તમામ વર્ગના લોકોને એક તાંતણે બાંધીને તેમને મુખ્ય પ્રવાહ સાથે  જોડવાનો હતો, પણ ભાજપ સરકારે બંધારણને નેવે મૂકીને માત્ર મુઠ્ઠીભર લોકો દેશને અરાજકતામાં ધકેલી રહ્યા છે. જેથી નાગરિકોના મૂળભૂત હક્કોનું હળાહળ હનન કરવામાં આવે છે. દેશમાં ભાજપની સરકાર- રાજમાં ખેડૂત સૌથી વધુ પાયમાલ બન્યા છે. મોંઘવારીએ માઝા મૂકી છે પણ વર્તમાન સરકાર ઘોર નિદ્રામાં જ છે. ભાજપ સરકાર માટે અત્યંત શરમજનક બાબત છે કે, લોકોએ પોતાના અધિકારો માટે રસ્તા પર ઊતરવું પડે છે. તેમજ સ્થાનિક કક્ષાએ પક્ષ શાસન કરતી ભાજપ સરકાર દ્વારા વિકાસકાર્યોમાં વ્યાપક ભ્રષ્ટાચાર, ઓવરલોડ પરિવહન, નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ જેમ કે ગટર, પાણી, સફાઇની સુવિધાઓ  મેળવવામાં પણ પ્રજા ત્રસ્ત બની છે, ત્યારે ભાજપ સરકારના મનસ્વી વલણ અંગે લોકોને અવગત કરીને લોકોને સાથે રાખીને પ્રચંડ વિરોધ કાર્યક્રમો આગામી સમયમાં કરવામાં આવે તેવો સ્થાનિક કોંગ્રેસ સંગઠન પર ભાર મૂક્યો હતો. કાર્યક્રમની  શરૂઆત શહેર પ્રમુખ કરશન રબારીએ સ્વાગત દ્વારા કરી હતી. દીપ પ્રાગટયથી કાર્યક્રમની શરૂઆત કરાઇ હતી. જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા વી. કે. હુંબલે ભાજપ સરકાર પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા 22 વર્ષથી ભાજપનું એકચક્રીય શાસન ચાલી રહ્યું છે. છતાંય પણ મોંઘવારી, ભ્રષ્ટાચાર, ગુનાખોરીને ડામવામાં ભાજપ સદંતર નિષ્ફળ?રહ્યો છે. જિલ્લા કોંગ્રેસના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ કહ્યંy હતું કે, અંજારમાં છેલ્લા કેટલાય વર્ષોથી ભાજપનું શાસન હોવા છતાં હજી શહેર વિકાસમાં પાછળ રહ્યું છે. આગામી સમયમાં સ્થાનિક ચૂંટણીઓમાં કોંગ્રેસ વિજય પ્રાપ્ત કરશે એવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. પ્રદેશ પ્રમુખ સાથે સીધો સંવાદ કરતાં અંજાર તા. પં.ના સભ્ય અરજણ ખાટરિયા, માજી નગરપતિ ધનજીભાઈ સોરઠિયા, કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રવિ આહીર, સ્થાનિક રહેવાસી હરેશસિંહ, કોંગ્રેસના સભ્ય મહેશભાઈ આહિરે સંવાદમાં સમસ્યાઓ વર્ણવી હતી. પક્ષના જ અમુક કાર્યકરો તેમજ આગેવાનોની નારાજગી દેખાઈ હતી. જેમાં મુખ્યત્વે શહેર કોંગ્રેસ પ્રમુખની ખાલી પડેલી જગ્યા પર નિમણૂક કરાય, શહેરના સંગઠનને યોગ્ય દિશા પ્રાપ્ત થઈ શકે, વિધાનસભામાં સ્થાનિક ઉમેદવારને બદલે સતત ગ્રામ્ય વિસ્તારના ઉમેદવાર પર જ થતી પસંદગી બંધ થાય તેવી રજૂઆત કરી હતી. પૂર્વ સાંસદ ઉષાબેન ઠક્કર, જિલ્લા પ્રદેશ મંત્રી રવિભાઈ ત્રવાડી, કોંગ્રેસ આગેવાનો શૈલેન્દ્રસિંહ જાડેજા, નવલસિંહ જાડેજા, નરેશભાઈ મહેશ્વરી, ગોવિંદભાઈ દનિચા, જિતેન્દ્રભાઈ ચોટારા, વિપક્ષી નેતા અકબરશા શેખ, જિલ્લા કોંગ્રેસના મંત્રી દિનેશભાઈ માતા, પ્રવક્તા ચેતન જોશી, સલીમ જત, હાજી જુમ્મા રાયમા, આદમ ચાકી, રાજેન્દ્રસિંહ જાડેજા, ગનીભાઈ કુંભાર, જગદીશભાઈ શાહ, ભરત ગુપ્તા, માનશી શાહ હાજર રહ્યા હતા. સંચાલન શામજીભાઈ ભૂરાભાઈએ કર્યું હતું. દરમ્યાન માંડવી ખાતેના કાર્યક્રમમાં તથા રાપર ખાતે પણ પ્રદેશ પ્રમુખે ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા. તાલુકા કોંગ્રેસ ખેરાજ ગઢવીએ આગામી  તા.પં., જિ.પં. અને નગરપાલિકાની ચૂંટણીમાં સારા પરિણામની ખાતરી આપી હતી. શિવદાસ પટેલ, હાજી આદમ થૈમ, કલ્પનાબેન જોષી,  ઈબ્રાહીમ મંધરા હાજર રહ્યા હતા. આ પૂર્વે પ્રદેશ પ્રમુખે જ્યારે કચ્છમાં પ્રવેશ કર્યો ત્યારે કચ્છના પ્રવેશદ્વારે જિલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, આગેવાનો આદમ ચાકી, નવલસિંહ જાડેજા, ઘનશ્યામ ભાટી, વી.કે. હુંબલ, ચેતન જોષી વગેરેએ સ્વાગત  કર્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer