પવનચક્કીનાં પરિણામે છાત્રાલયમાં બાળાઓ હેરાન

પવનચક્કીનાં પરિણામે છાત્રાલયમાં બાળાઓ હેરાન
માતાના મઢ (તા. લખપત), તા. 18 : અહીંથી દોલતપર હાઈવે ઉપર બનેલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની બાજુમાં ગામેસા વિન્ડ કંપની દ્વારા અંદાજે 120 એકરમાં ભારેખમ મશીનરી રાખવા માટે બનાવાયેલા એક વિશાળ સ્ટોરમાં  રાત-દિવસ ભારેખમ વાહનોના પરિવહનથી અભ્યાસ કરતી દીકરીઓને પરેશાની વેઠવી પડે છે. આખો દિવસ ધૂળની ડમરીઓ ઊડયા કરે છે. બોર્ડિંગ કમ વિદ્યાલય તેમજ ભોજન ખંડમાં રજ આવે છે. દીકરીઓને અભ્યાસ કરતી વખતે રાત્રિએ ભારે અવાજથી વાહનોના સતત હોર્નના ઘોંઘાટથી પરેશાની વેઠવી પડે છે. અત્યારે પરીક્ષાઓ આવી રહી છે. લેખન તેમજ વાંચનકાર્યમાં ખલેલ થાય છે. તેવું ખુદ અહીં ભણતી દીકરીઓ જણાવી રહી છે. આ વિદ્યાલયના પ્રિન્સિપાલ લીલાબેને જણાવ્યું કે, છેલ્લા બે માસથી આ વિન્ડ કંપનીના સ્ટોરમાં વાહનોની અવરજવર પુષ્કળ પ્રમાણમાં થતાં દીકરીઓને અભ્યાસમાં, જમવામાં તેમજ રાત્રિના ઊંઘવામાં તકલીફ પડી રહી છે. આ બાબતે સરપંચને લેખિત રજૂઆતો કરી છતાં આ પ્રશ્નનો નિકાલ આવ્યો નથી. સાથે ઉમેર્યું કે, આ વિદ્યાલય દોલતપરથી ચાર કિ.મી. દૂર હાઈવે ઉપર છે. આ સ્ટોરમાં મોટા પ્રમાણમાં પરપ્રાંતીય લોકો અવરજવર કરે છે. આ લોકો હંમેશાં આ બાલિકા વિદ્યાલયની દીવાલ પાસે બેસીને ગંદકી કરે છે. એમને આ લોકોના આવા ગેરવર્તનથી ભય પણ સતાવે છે. અહીં પચાસ દીકરીઓ તેમજ આઠ શિક્ષિકાઓ રહે છે. અમારી લેખિત માંગ છે કે, આ સ્ટોર અમારા વિદ્યાલયથી એક કિ.મી. દૂર હોવો જોઈએ. જેથી અહીં અભ્યાસ કરતી દીકરીઓ શાંતિથી અને ભય વગર ભણી શકે. આ વિશે દોલતપરના સરપંચ વસંતભાઈ પટેલને પૂછતાં તેમણે જણાવ્યું કે, દોલતપરના પટેલ સમાજના આઠથી દસ જેટલા પાટીદાર ખેડૂતો જે હાલે ધંધાર્થે બહારના રાજ્યોમાં વસવાટ કરે છે. તેમણે પોતાની જમીન પવનચક્કીવાળાને ભાડે આપી છે, તેમાં ગ્રામ પંચાયત શું કરે ? આ અંગે દયાપર રેવેન્યૂ સર્કલ શિવજીભાઈ પાયણે ટેલિફોનિક વાતમાં જણાવ્યું કે, આ વિવાદ લેખિતમાં ગ્રામ પંચાયત સભ્ય ધનજીભાઈ પટેલે આપ્યો છે. આ વિષયે તુરંત પંચનામું કરી કાર્યવાહી કરશું. આ વિન્ડ કંપનીનો સ્ટોર ચિંકારા અભયારણ્યમાં આવે છે. તેના માટે વન વિભાગ દ્વારા શરૂઆતમાં બે દિવસ માટે અટકાવાયા હતા અને હાઈવેથી સ્ટોરમાં જતો રસ્તો પણ બંધ કરાયો હતો. પાછળથી આ રસ્તો વન વિભાગ દ્વારા રાતોરાત ખુલ્લો કરવામાં આવ્યો હતો. શું તેને વન વિભાગ તરફથી પરવાનગી મળી ગઈ છે. તેવો પ્રશ્ન તાલુકાના રહેવાસીઓ ઉઠાવી રહ્યા છે. એક તરફ ગુજરાત તેમજ કેન્દ્ર સરકાર બેટી પઢાવોના નારા લગાવે છે છતાં સરકારી તંત્ર ઉદાસીન કેમ છે એ મોટો પ્રશ્ન છે. આ પ્રશ્ને અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા પણ વાકેફ છે. શ્રી જાડેજાથી ટેલિફોનિક વાત કરતાં તેમણે જણાવ્યું કે, હું ત્રણ-ચાર દિવસમાં વિદ્યાલયની મુલાકાત લઈશ. આ પ્રશ્ને લડત ચાલુ છે, તુરંત આનો હલ થઈ જશે એ માટે હું આશાવાદી છું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer