કચ્છને ક્ષય રોગ મુક્ત કરવા હાકલ

કચ્છને ક્ષય રોગ મુક્ત કરવા હાકલ
ભુજ, તા. 18 : મંગળવારે કચ્છની મુલાકાતે આવેલા વિશ્વ આરોગ્ય સંસ્થાના ટીબી કન્સલ્ટન્ટ ડો. જાનીએ આગામી વર્ષ 2022 સુધી કચ્છને ક્ષય રોગ મુક્ત કરવા હાકલ કરી હતી.ક્ષય રોગ નાબૂદી અભિયાન અંતર્ગત મંગળવારે જિલ્લા પંચાયત સમિતિ ખંડમાં રાજ્યની ટીમના ડો. પ્રણવ પટેલ દ્વારા કચ્છના જુદા જુદા પીએચસી અને સીએચસી સેન્ટરના 10 સિનિયર લેબોરેટરી સુપરવાઇઝર અને 72 જેટલા લેબોરેટરી ટેકનીશિયનોને તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમ દરમ્યાન જુદી જુદી પદ્ધતિથી ટીબીના દર્દીઓની તપાસ, સ્લાઇડ, ગળફાની ચકાસણી કઇ રીતે કરવી તેની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવી હતી. જિલ્લામાં અંદાજે ચારેક હજાર જેટલા ક્ષયના દર્દી નોંધાય છે જેને શોધી તેની સરકારી અને ખાનગી ડોકટરો દ્વારા સઘન સારવાર આપવા તાલીમાર્થીઓને અનુરોધ?કરાયો હતો.  આ તાલીમ દરમ્યાન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નર અને જિલ્લા ક્ષય અધિકારી ડો. દેવચંદભાઇ ગાલા ઉપસ્થિત રહ્યા હતા. દરમ્યાન, આજે ભુજ અને આસપાસના વિસ્તારોમાં ડો. નિસર્ગ દેસાઇ અને ડો. જાની તથા ગાંધીધામ તથા આજુબાજુના ગામોમાં?ડો. જીજ્ઞેશ પટેલ તથા ડો. નૈનેશ પટેલની ટીમ મુલાકાત લઇ ક્ષયના દર્દીઓની થતી સારવાર અંગે પૃચ્છા કરી હતી. આવતીકાલે આ ટીમ દ્વારા ભુજમાં ટીએચઓ અને ટીબી, આરએનટીસીપીના કર્મચારીઓ સાથે ટીમ દ્વારા રિવ્યુ બેઠક યોજાશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer