અતીતને આંખે આંજી બેઠેલાં માંડવીના અરમાનો ફૂલેફાલે...!

અતીતને આંખે આંજી બેઠેલાં માંડવીના અરમાનો ફૂલેફાલે...!
દેવેન્દ્ર વ્યાસ- માંડવીનાં નામનો પડઘો પડે એટલે હિલોળા લેતા મહેરામણના મોજાઓની મસ્તી-ઉછળકૂદ આંખોમાં અંજાવા માંડે. સહેલાણીઓને લોભાવતી રૂપેરી રેતનો રળિયામણો સાગરકાંઠો ઝળુંબવા માંડે. સાગરની સંગાથે દેશ-વિદેશના બંદરોની ખેપ ખેડતાં વહાણોની યાતાયાતના સમણા તાજા થાય. દેશભરમાં એક વેળાએ પથ્થરની કમાનોવાળો સૌથી લાંબો બાર ત્રાકવાળો રુકમાવતી પુલ તરવરવા માંડે. જગમશહૂર વહાણોની બાંધણીની કાસ્ટકળા કારીગરી વડે પરંપરાગત રીતે પંકાયેલો કસબ અને કસબીઓને નીરખવાની તાલાવેલી થાય એવું માંડવી શહેર આજે 440મા સ્થાપનાદિને અનેક ઓરતાં ઉરમાં-અંતરમાં ધરબીને અતીતને પાછો ફરવા સાદ પાડીને હરખઘેલું થયું છે. સદીઓ લગી કચ્છના અર્થતંત્રની ધોળી નસ તરીકે માન-મરતબાનું અધિકારી બંદરીય માંડવી કચ્છની તસવીર અને તાસીરમાં આગવી અસ્મિતા અંકિત કરતું રહ્યું. દેશ-દેશાવરના 84 જેટલા બંદરો ઉપર એની આન-બાન-શાનના વાવટાઓ ફરકતા રહ્યા એવું કાળચક્ર પાછું ફરતું થાય એવી મહેચ્છા માંડવીગરાને છે અને રહેશે. વિતેલા અતીતમાં ભાટિયા, લોહાણા, ખોજા, વ્હોરા, ખારવા, વણિક, ભડાલા જ્ઞાતિઓની માલિકીના વહાણો ખારવા, ભડાલા સાગરખેડુઓ ખેડતા એ વાત હવે કાળના ગર્ભમાં સંકોચાતી રહી છે. દેશી વહાણવટાને જાણે ગ્રહણ લાગી ગયું હોય તેમ હવે ડચકાં ખાઈ રહ્યું છે. `અનામત કાર્ગો' જ હવે દેશી વહાણવટાને જીવનદાન આપી શકે તેમ છે. અહીં સેંકડોની સંખ્યામાં વહાણો હતા એ આંકડો સંકોચાઈને બે આંકડે પહોંચી ગયો છે. સાઈઠના દસકાના મધ્યભાગ લગી કરાચી, માંડવી, મુંબઈ વચ્ચે `સાબરમતી' અને `સરસ્વતી' સ્ટીમરોની પેસેન્જર સેવા હવે ભૂતકાળ બની ગઈ. જળમાર્ગે કચ્છના પ્રવેશદ્વાર તરીકે માંડવીની ઈજારાશાહી-એકાધિકાર હવે નામશેષ થયો છે. નૈસર્ગિક રીતે માંડવીને નસીબ થયેલો સોહામણો સાગર હવે હાથ ઊંચા કરીને જીવતો અને જાગતો રહેવા કરગરી રહ્યો છે. કરમની કઠણાઈ ગણીએ કે માંડવી-ઓખા વચ્ચેની ફેરી બોટ સેવા સ્વપ્ના જગાડીને પાછી પોઢી ગઈ છે. પોણા લાખની આસપાસ આબાદીનો આંકડો ખોળામાં લઈને બેઠેલા માંડવીથી જળપરિવહન ઝૂંટવાઈ ગયું છે. દાયકાઓથી રેલવે માર્ગે આ પંથકને જોડવાની આજીજી-કાલાવાલા બહેરાશમાં અટવાયાની  અકળામણ અવાંતરે ઊઠતી હોવા છતાં રામ જાણે પેસેન્જર રેલવે જોડાણ ક્યારે અને કઈ પેઢીને નસીબ ફળશે...! કબૂલ, માંડવીને છેલ્લા દાયકામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ નસીબ થયો ખરો. ગાંધીધામ, મુંદરા, માંડવી, નલિયા (અબડાસા)ને જોડતો નેશનલ હાઈવે ધબકતો તો થયો હોવા છતાં ખાટલે મોટી ખોડ સમો `બાયપાસ' હજુ કાગળના નક્શાથી આગળ નથી વધ્યો. જૈન આશ્રમથી શીતલા મંદિર આગળ કાઠડા ત્રિભેટે જોડાનારા રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને તેની સમાંતરે રુકમાવતી નદી પટ પર 240 મીટર લાંબો સૂચિત પુલ ગ્રહદશામાંથી મુક્તિ પામીને વેળાસર સાકાર-મૂર્તિમંત થાય તો શહેર, પંથકની અનેક સમસ્યાઓ હળવી થઈ શકે. રોડ રસ્તે વાહનોની નિરંતર વધતી યાતાયાતને પરિણામે ટ્રાફિક  જામની સમસ્યા શિરદર્દ સમી રહી છે. કોઠાથી નવા નાકા સુધીનો એકમાત્ર (સાંકડો) રસ્તો શહેરના પૂર્વ ભાગને પશ્ચિમ ભાગ સાથે જોડે છે. આ એકમાત્ર રસ્તેથી તાલુકાના પશ્ચિમી ગામડાંઓ, અબડાસા તરફનો વાહનવ્યવહાર ઓશિયાળો હોતાં `બાયપાસ' માર્ગ પરિવહન માટે અત્યંત અનિવાર્ય છે. અહીં એ વાતનો વિશેષ ઉલ્લેખ કરવો જ રહ્યો કે 137 વર્ષો પહેલાં નમૂનેદાર રીતે નિર્માણ પામેલા હયાત રુકમાવતી પુલને પડખે લાંબા સમયથી સમાંતર પુલ સાકાર કરવામાં ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાની જહેમત રંગ લાવી છે. લગભગ બારેક કરોડના ખર્ચે સમાંતર બ્રિજ નિર્માણની કામગીરી ધમધોકાર જારી રહેતાં હવે મહિનાઓમાં એ સાકાર સ્વરૂપ પામે તેવો અણસાર છે. શાહ-સોદાગરીમાં, દિલેર દાનવીરોમાં, શિક્ષણના પ્રચાર-પ્રસાર અને પ્રભાવમાં, જીવદયાના ક્ષેત્રે અનોખી ભાત પાડતા આ પંથકે દેશ-વિદેશમાં નામ કમાયું છે. ભુજની દોઢેક સૈકા જૂની ઓફ્રેડ હાઈસ્કૂલનું મંગલાચરણ આ ભોમકા પર થયું હતું. 128 વર્ષો અગાઉ અત્રે શેઠ ગોકલદાસ તેજપાલ હાઈસ્કૂલના મંડાણ થયા એ શિક્ષણ સંસ્થા-સખાવતની ક્ષિતિજો મુંબઈ ઉપરાંત કરાચી (સિંધ) સુધી વિસ્તરેલી એ રખે ભુલાય. કન્યા કેળવણી ક્ષેત્રે અહીંનો ખીમજી પરિવાર (મસ્કત) પાયોનિયર...! કચ્છમાં (ઘણું કરીને) પહેલવહેલું વિમાન ઉતરાણ અહીંના પાદરે થયું હતું. વિજય વિલાસ રસ્તે (શહેરના પાદરે) એરસ્ટ્રીપ નિર્માણ પામી ત્યારે શહેર, પંથક હરખઘેલું બનેલું. આનંદીબેન પટેલના વડપણ હેઠળની રાજ્ય સરકારે રાજ્યમાં માંડવી સહિત પાંચ એરસ્ટ્રીપ અપગ્રેડ કરવાની જાહેરાત કરી તે વેળાએ નાના વિમાનોની યાતાયાત પ્રવાસનના પરિપેક્ષ્યમાં સંભવ બનાવવાની વાત હતી. રશિયન ઝોરશાહીની ઘટના તાજી કરાવે તેવી હાલત અહીંની એરસ્ટ્રીપની અનુભવાઈ રહી છે. આ શહેર-પંથકે આફતને અવસરમાં પલોટવાનું શીખ્યું છે, શીખવ્યું છે. ક્રાંતિગુરુ પંડિત શ્યામજીની જન્મભૂમિ દેશાભિમાન-રાષ્ટ્રીય ગૌરવ તરીકે ઝળકી છે. ગોવા, મોરેશિયસને ટક્કર મારે તેવો નયનરમ્ય દરિયાકાંઠો વિશેષ માવજત વડે પ્રવાસન ક્ષેત્રે મજબૂત ઈકોનોમી સાબિત થઈ શકે તેમ છે. કાળના ગર્ભમાં જઈએ તો અહીંનું બારું સેંકડો નહીં દોઢ-બે હજાર વર્ષો પુરાણું હોવાના અવશેષો મળી રહ્યા છે. રાયણ પાસે પટણનું દટણ નોતરવા પુરાતત્ત્વ વિભાગના અભ્યાસીઓ જોતરાયા છે. દેશના સમતોલ અને સુરક્ષિત વિકાસની નીતિ અને નિયત હોવાની છાપ ઊભી કરે તેવી ન.મો. સરકાર મજબૂતીથી નિર્ણયો લઈ રહી છે ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદીના હૈયે અને હોઠે વસેલો આ પંથક-શહેર-બેવડા અરમાનોને આંખમાં આંજીને બેઠું છે. પ્રવાસન માટેની બેહદ સંભાવનાઓ ધરાવતા આ મુલકને મનોરંજન વિસ્તાર (એન્ટરટેઈનમેન્ટ ઝોન) તરીકે ઘોષિત કરવો-કરાવવો સમયની માંગ છે. ધાર્મિક પ્રવાસન તરીકે પણ સંતો-મહંતો-ઓલિયા-સાધકોની આ તપોભૂમિ કચ્છમાં વિવિધતા અને વિશેષતાઓ ધરબીને બેઠી છે. સ્થાપનાદિનની પૂર્વ સંધ્યાએ નગરપતિ મેહુલભાઈ શાહે શહેરના સમતુલિત વિકાસ માટે કટિબદ્ધતા જાહેર કરતાં `કચ્છમિત્ર' સાથે સંવાદમાં કહ્યું હતું કે, બે દાયકાઓ કરતાંય પહેલાં રખરખાવની મુશ્કેલીઓને લીધે અવશેષરૂપ બનેલાં શહેરની શાન સમો `ભીમાણી ટાવર' રણકતો કરવામાં સફળતા મળી છે. નગર સેવા સદન દ્વારા પંદરેક લાખ અને ટાવર ઘડિયાળને નવો રંગ-ઢંગ આપવા દાતા પરિવાર અંદાજે છએક લાખ માટે આગળ આવતાં શહેરની મધ્યમાં આવેલા ભીમાણી ટાવરના ડંકાનો સાદ ફરી પુનર્જીવિત થશે. આગવી ઓળખસમા ટોપણસર જળાશયનું રૂપિયા બે કરોડ 82 લાખના ખર્ચે નવીનીકરણ કરાવાશે. બગીચાઓ ખુલ્લા કરાશે, રોડ પહોળો થશે, વોક-વે, સાઈકલિંગ માટેનો માર્ગ નસીબ થશે, ખુલ્લામાં કસરત-ઓપન જીમના સાધનો વિકસાવાશે. આ ઉપરાંત રૂપિયા 81 લાખના ખર્ચે શીતલા તળાવ પર વોક-વે, બેઠકો, લાઈટિંગ્સ, પાર્કિંગ સહિતની સગવડોની સમાંતરે તળાવ ફરતેની ગઢરાંગનું રેટ્રોફિટિંગ, લાઈટિંગ, પાથ-વે અને શહેરના પાંચેય નાકાઓ, ગઢરાંગ, પુલ ઉપર નજારો નિર્માણ કરવા લાઈટિંગ પથરાવાશે. અહીંના અને ભાવનગરને કર્મભૂમિ બનાવનારા કથ્થક નૃત્યના કલાગુરુ આત્મીય ધરમશીભાઈ શાહના સ્મરણમાં ઓગન રસ્તાને તેમનું નામાભિધાન કરાશે. સામાજિક-રાજકીય-જીવદયાની જ્યોત જળહળતી રાખીને દાયકાઓ લગી પ્રભાવી નેતૃત્વ આપનારા (સ્વ.) ઝુમખલાલભાઈ મહેતાની યાદમાં કૃષ્ણા હોટેલથી ભીડ નાકાને જોડતા લિંક રોડનું નામકરણ કરાશે. મેહુલ શાહે ભીમાણી ટાવરને જાગતો રાખવા માટે મૂળ અહીંના અમદાવાદ સ્થિત અલ્કાબેન શાહ દ્વારા સોશિયલ મીડિયા મારફતે કરાયેલા ટંકારનો ઋણ સ્વીકાર કર્યો હતો. ધારાસભ્ય શ્રી જાડેજા, સાંસદ વિનોદભાઈ ચાવડાથી લઈને રાજ્યમાં વિજયભાઈ રૂપાણીના વડપણવાળા સંવેદનશીલ સરકારનું બળૂંકું પીઠબળ હોવાથી વિકાસલક્ષી નક્શાને સાકાર કરવો પડકારરૂપ નહીં રહે તેવો આત્મવિશ્વાસ રણક્યો હતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer