ગાંધીધામમાં કોરોના વાયરસના ચેપની અફવા વોટ્સએપમાં ફેલાતાં ઉચાટ

ગાંધીધામ, તા 18 : ચીનના વુહાંગ શહેરમાં ફેલાયેલા કોરોના વાયરસથી વિશ્વભરમાં ભારે ગભરાટ પ્રસર્યો છે.આ જીવલેણ વાયરસ ભારતમાં ન પ્રવેશે તે માટે સરકાર દ્વારા અને આરોગ્ય તંત્ર દ્વારા તમામ પૂરતા સલામતીના પગલા લેવાયા છે અને હજુ સુધી એક પણ કેસ  દેશમાં  બહાર આવ્યો નથી. તેવામાં આજે ગાંધીધામની એક શાળાના   ચારથી પાંચ વિદ્યાર્થીઓ આ વાયરસની ઝપટમાં આવ્યા હોવાનો સંદેશો વોટસએઁપ ઉપર વાયરલ થતા શહેરમાં ભારે ઉચાટ ફેલાયો હતો.  જો કે આ માત્ર અફવા  જ છે.ગાંધીધામની સાધુ વાસવાણી સ્કૂલના ચારથી પાંચ બાળકો  આજે ચાલુ શાળા  દરમ્યાન જ કોરોના વાયરસમાં સપડાયા હોવાના  અને બે બાળકોના મોત થયા હોવાના તથા ત્રણ બાળકો  હોસ્પિટલમાં સારવાર તળે હોવાના વોટસએઁપ મેસેજ  સાંજથી ફરતા થયા હતાં.  ટયુશન કરાવતા શિક્ષિકા પાસે આવતા સાધુ વાસવાણી સ્કૂલના વિદ્યાર્થીએ  ટયુશન શિક્ષકાના પુત્રને આ વાત કરી અને તેણે આ સંદેશા અન્યને મોકલ્યા હોવાનું વાયરલ થયેલા સંદેશામાં સમજાય છે. આ મેસેજ વહેતા થતાં  હતપ્રભ થઈ ગયેલા કેટલાક નાગરિકો સત્યતા જાણવા અખબારી કચેરીએ આવી પહોંચ્યા હતાં. `કચ્છમિત્ર'એ તાલુકા આરોગ્ય અધિકારી ડો.દિનેશ સુતરીયા અને સાધુ વાસવાણી સ્કુલના ટ્રસ્ટી રાજુ ચંદનાનીએ વાયરલ મેસેજ અંગે વાત કરી હતી. તાલુકા આરોગ્ય અધિકારીએ કોરોના વાયરસના કેસ અંગેની આજે સવારે 6 વાગ્યા સુધીની સ્થિતિ અંગે  માહિતી આપતાં કહ્યું હતું કે કલીનીકલ કેસ સહિત 73,304 કેસ નોંધાયા છે તેમાથી 1872 દર્દીઓના મોત નીપજયાં છે. અને 12,592 કેસમાં રીકવરી આવી છે. સમગ્ર ભારતમાં આજે સવાર સુધી માત્ર ત્રણ કેસ નોંધાયા છે. અને એક પણ દર્દીનું મોત નથી થયું તથા ગુજરાતમાં એક પણ કેસ નોંધાયો નથી. ગાંધીધામમાં કયાંય પણ સેમ્પલ લેવાયા જ ન હોવાનું જણાવી આ વાત અફવા જ હોવાનું ભારપૂર્વક જણાવ્યું હતું.સાધુ વાસવાણી સ્કૂલના ટ્રસ્ટી રાજુ ચંદનાનીએ આ વાયરલ મેસેજ મામલે  પોલીસ વડા પરીક્ષિતા રાઠોડને જાણ કરી હતી. પોલીસ વડાએ આ મામલે મેસેજ વાયરલ કરનાર તત્વ સુધી પહોંચવાની કાર્યવાહી કરવાની ખાત્રી આપી હતી.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer