ગાંધીધામ સંકુલની કોક કંપનીમાં લડત બાદ કામદારો થયા કાયમી

ગાંધીધામ, તા.18 : કચ્છ લોકલ મજદૂર સંગઠનની લડતને પગલે મહાશકિત કોક લિ.માં 65 કામદારને  કાયમી ધોરણે  એકમના  કર્મચારીઓ બનાવાયા હોવાનો સંગઠને દાવો કર્યો હતો. કચ્છ લોકલ મજદૂર સંગઠનના પ્રમુખ નાગશીભાઈ વી. નોરિયાએ એક  યાદીમાં જણાવ્યું હતું  કે,  જુદી-જુદી માગણીને લઈ   મહાશક્તિ કોક લિ. સામે લડત ચલાવાઈ હતી. જે ન સંતોષાતાં ગાંધીધામના મદદનીશ શ્રમ આયુકત (કેન્દ્રીય) પંકજ દહિયા સમક્ષ  કાર્યવાહી ચાલી હતી. કામદાર સંગઠન તરફે રજૂ થયેલા કાયદાકીય તથ્યોને માન્ય રખાયા હતા. તેઓની દરમ્યાનગીરી  સંગઠન અને  કંપની વચ્ચે  સમાધાન થયું હતું. યુનિયનના  તમામ 65 કામદારો   મોમાઈ કૃપા લેબર  સપ્લાયર્સના કોન્ટ્રાકટમાં વર્ષ 2009થી ઠેકેદારના કામદારો તરીકે હતા. જેને વર્ષ 2003થી કંપનીમાં દાખલ  થયા  તારીખથી કંપનીના રોલ ઉપર નિયમિત કરવામાં  આવ્યા હતા. આ કામદારોને પાછલી અસરથી નિયમિત કરવા માટેના  કંપનીએ નિમણૂક પત્રો તથા ઓળખકાર્ડ પણ ઈશ્યૂ કરી આપ્યા હતા આ  અગાઉ યુનિયને કંપનીના તમામ કામદારોને લઘુતમ વેતન ધારાના કેન્દ્ર  સરકારના ધારાધોરણ પ્રમાણે પગાર અપાવવામાં સફળતા મળી હતી. આ લડતમાં  પ્રમુખ નાંગશીભાઈ નોરિયા, ઉપપ્રમુખ હરેશભાઈ સંજોટ, નારાણભાઈ રોશિયા, વિજયવન ગોસ્વામી, ખેતશીભાઈ વગેરે જોડાયા હતા.  કાનૂની સલાહકાર  ધારાશાત્રી ડી. એચ. મહેશ્વરી રહ્યા હતા.   

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer