કચ્છ સહિત શરણાર્થીઓના મહેસૂલી પ્રશ્નો ઉકેલવા માંગ

પાનધ્રો (તા. લખપત), તા. 18 : ગુજરાતમાં ખાસ કરીને કચ્છ સહિતના જિલ્લાઓમાં વસ્તા શરણાર્થી પરિવારોને મહેસૂલને લગતા પ્રશ્નોના નિરાકરણ લાવવા માટે માગણી કરવામાં આવી છે. કચ્છ જિલ્લા વિવેકાનંદ યુવા કેન્દ્રના પ્રમુખ જયેશદાન ગઢવીએ એક યાદીમાં જણાવ્યું હતું કે, જે-તે સમયે સરકાર દ્વારા શરણાર્થી પરિવારોને ખેતી માટે જમીન આપી હતી. જમીનમાં ખેડૂત તરીકે રાશનકાર્ડમાં મુખિયાનું નામ દાખલ કરવામાં આવ્યું, પરંતુ મોટે ભાગે સંયુક્ત કુટુંબમાં રહેતા શરણાર્થી પરિવારોના મુખિયાના અન્ય ભાઈઓ કે બહેનોને ખેડૂત હક્ક પ્રાપ્ત થતો નથી. તો સરકાર દ્વારા શરણાર્થીઓ માટે વિશેષ જોગવાઈ કરી શરણાર્થી પરિવારોના અન્ય સદસ્યોને ખેડૂત હક્ક આપવામાં આવે. 1971માં આવેલા શરણાર્થી પરિવારો નાગરિક્તા મળ્યા બાદ રોજી-રોટીની શોધમાં જ્યાં રહેવા લાયક જમીનો મળી ત્યાં વસાહતો બનાવી રહેવા લાગ્યા હતા તથા સરકાર દ્વારા તેમને પાયાની સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવી છે, પરંતુ અજ્ઞાનતાવશ સરકારી કે ગૌચર જમીનોમાં બેઠેલા શરણાર્થી પરિવારોને રહેણાંક માટેના પ્લોટ કે ગામતળ મંજૂર કરવામાં આવ્યા નથી, જેના કારણે શરણાર્થી પરિવારો પ્રધાનમંત્રી આવાસ યોજના, શૌચાલયની યોજના સહિતની સરકારી યોજનાઓના લાભથી વંચિત રહી જાય છે. તો સરકાર દ્વારા શરણાર્થી પરિવારોની વસાહતોને નીમ કરી દરેક પરિવારોને રહેણાંક હેતુના પ્લોટ મંજૂર કરવામાં આવે તેવું તેમણે જણાવ્યું હતું.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer