ડીપીટીનાં નાણાં વિભાગ વિરુદ્ધ હવે કામદાર સંગઠન મોરચો માંડશે

ગાંધીધામ, તા 18 : દીનદયાળ પોર્ટ ટ્રસ્ટના નાણાં વિભાગના વડાની ચેમ્બરમાં થોડા દિવસ પહેલાં કામદાર સંગઠનના હોદેદારોએ કરેલી ઉગ્ર રજૂઆતમાં ગાળાગાળી અને ધાકધમકી કરાઈ હોવાના મુકાયેલા આરોપોને ફગાવી દઈને કંડલા ટ્રાન્સપોર્ટ એન્ડ ડોક વકર્સ યુનિયને નાણાં વિભાગ વિરુધ્ધ હવે રીતસરનો મોરચો માંડવાની તૈયારી બતાવી છે.યુનિયનના મહામંત્રી મનોહર બેલાણીએ એક યાદીમાં જણાવ્યું છે કે છેલ્લા કેટલાક સમયથી સરકારી નિયમો, આદેશો વગેરેનું ખોટું અર્થઘટન કરીને ડીપીટી નાણા વિભાગના વડાં દ્વારા વર્ગ-3 અને 4ના કામદારોને કનડગત કરાઈ  રહી છે.કામદારોના ફેમિલી પેન્શનની નિયમાનુસાર ચુકવણી, પેન્શનર્સનો હયાતીનો દાખલો, ભવિષ્યનિધિમાંથી એડવાન્સ લેવું, ઓવરટાઈમ એલાઉન્સની ચુકવણી વગેરે જેવી બાબતોમાં પ્રશ્નો ઉભા કરીને કામદારો કેમ હેરાન થાય, રોષ ફેલાય તેવા પ્રયત્નો કરાઈ રહ્યા છે. આ અંગે વારંવાર રજૂઆત કરાયા છતાં કોઈ સુધાર આવ્યો નથી.પીએફમાંથી એડવાન્સ લેવાની બાબતે 40 વર્ષથી ચાલતી વ્યવસ્થા નિયમાનુસાર થઈ રહી છે તેમાં અચાનક પોતાની રીતે જ કલમો ઉમેરી દઈ કામદારોની અરજીઓ પરત મોકલાતાં નારાજગી ઉભી થઈ હતી. લગ્ન કે બીમારી જેવા પ્રસંગે થયેલી એડવાન્સની માગણી નકારાતાં રોષ પ્રસર્યો હતો.અખબારી યાદીમાં જણાવ્યા  પ્રમાણે આ અંગે રજૂઆત કરવા યુનિયનના પ્રમુખ એલ.સત્યનારાયણ, મહામંત્રી મનોહર બેલાણી, ઉપપ્રમુખો જીવરાજ મહેશ્વરી તથા ઉંમર સિધિક નાણા વિભાગના વડાની ચેમ્બરમાં ગયા હતા. જયાં આ રજુઆત સાંભળવાના બદલે નાણા વિભાગના વડાનું વર્તન ઉશ્કેરણીજનક રહ્યું હતું. તેમણે રૂલ્સ-રેગ્યુલેશન માનવાનો જ ઈન્કાર કરતાં તેઓ ઉશ્કેરાઈ ગયા હતા. પરિણામે ઉગ્ર બોલાચાલી થઈ હતી. સંગઠનના પ્રતિનિધિઓએ કોઈ ગાળાગાળી કે ધાકધમકી નહોતી કરી.આમ છતાં વિભાગના વડાએ પોતાનો બચાવ કરવા આવી વાતો ઉભી કરી હતી. પરિણામે ઓફિસર્સ એસો.એ પણ અધ્યક્ષ સમક્ષ લેખિત રજૂઆત કરી હતી. હવે આ મામલે સંગઠને નાણાં વિભાગના વડા દ્વારા થતી કનડગત અંગે શિપીંગ સચિવને રજુઆત કરવા નિર્ણય લીધો છે. યુનિયન નાણાં વિભાગના વડા દ્વારા આચરાતી નિયમવિરૂધ્ધની નીતિ રીતિઓ ખુલ્લી પાડશે તથા જરૂર પડયે આંદોલન પણ કરાશે તેવું યાદીમાં જણાવાયું છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer