બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ નિવારવા સંવેદનશીલ કેન્દ્રો પર પેરામિલિટરી

ભુજ, તા. 18 : ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી પાંચમી માર્ચથી લેવાનારી ધો. 10 અને 12ની પરીક્ષા દરમ્યાન ગેરરીતિ નિવારવા ચાલુ વર્ષે સંવેદનશીલ કેન્દ્રો પર પેરામિલિટરી ફોર્સના જવાનો ફરજ બજાવશે. પૂર્વ કચ્છના વાગડ વિસ્તારના ભચાઉ, રાપર, આડેસર, ફતેહગઢ, ગાગોદર અને મનફરા સહિતના સંવેદનશીલ તરીકે તારવાયેલાં કેન્દ્રો પર શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષાઓ લેવાય તેમજ કોઇ કોપીકેસ, ડમી ઉમેદવાર જેવા બનાવો ન બને તેમજ ભૂતકાળના અનુભવોને ધ્યાને લઇ ચાલુ વર્ષે બોર્ડ દ્વારા આ કેન્દ્રો પર પેરામિલિટરી ફોર્સના જવાનો મૂકવામાં આવશે. દરમ્યાન આ વર્ષે ધો. 10ના ભુજ, ગાંધીધામ અને નખત્રાણા ઝોન વાઇઝ કુલ્લ 34 કેન્દ્ર અને 103 બિલ્ડિંગમાં 30,877 તથા ધો. 12માં ભુજ અને ગાંધીધામ ઝોનમાં 13 સેન્ટર, 50 બિલ્ડિંગ અને 468 બ્લોકમાં સામાન્ય પ્રવાહના 14,769 છાત્ર પરીક્ષા આપશે તેવું જિલ્લા શિક્ષણાધિકારી ડો. ભગવાનભાઇ પ્રજાપતિની યાદીમાં જણાવાયું છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer