રાજસ્થાનથી બે નર ઘોરાડ ગુજરાત લવાશે

ગાંધીનગર, તા. 18 : એક વર્ષ કરતાં વધુ સમય પહેલાં અંતિમ અને એક માત્ર બચેલું નર ઘોરાડ ગુજરાતમાંથી લાપત્તા થઇ જતાં રાજ્યમાંથી આ વન્ય જીવની પ્રજાતિ લુપ્ત થવાનું જોખમ ટાળવાના હેતુ સાથે વન અને પર્યાવરણ મંત્રાલયે પાડોશી રાજસ્થાન રાજ્યમાંથી બે નર ઘોરાડ ગુજરાત લાવવાના પ્રયાસો કરવાનો નિર્ણય કર્યો છે. જો કે, વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇંડિયાના રાજસ્થાન સ્થિત બ્રિડીંગ સેન્ટર સાથે જોડાયેલા એક તજજ્ઞએ કહ્યું હતું કે, ઘોરાડ વસાહતમાં ઉપરથી પસાર થતા વીજ તારોના ગંભીર પ્રશ્નનો ઉકેલ ગુજરાત લાવી શકયું નહીં હોવાથી નર ઘોરાડ ગુજરાત મોકલવાથી કોઇ ફળ નહીં મળે.વન વિભાગ (વન્ય જીવન)ના અધિક મહાનિર્દેશક સૌમિત્રા દાસ ગુપ્તાએ ટાઇમ્સના અહેવાલમાં જણાવ્યું છે કે, ગુજરાતમાં એક પણ નર ઘોરાડ આજની તારીખે બચ્યા ન હોવાની હકીકતથી મંત્રાલય વાકેફ છે.ગ્રેડ ઇંડિયન બસ્ટાર્ડ એટલે ઘોરાડના લાંબાગાળાનાં સંરક્ષણના ભાગરૂપે અમે રાજસ્થાનમાંથી નર ઘોરાડ લાવવાનો ફેંસલો કર્યો છે, તેવું તેમણે ઉમેર્યું હતું. દાસ ગુપ્તાએ જણાવ્યું હતું કે, મંત્રાલય બન્ને રાજ્યની સરકારો સાથે સંકલન સાધી રહ્યું  છે અને આ સંબંધમાં પ્રક્રિયા નક્કી કરવા માટે ટૂંક સમયમાં બેઠક યોજાશે. રાજસ્થાનમાં હાથ ધરાયેલો સ્થાનિક પ્રજાતિ ઉછેર કાર્યક્રમ એ માત્ર તે રાજ્ય માટે જ નથી, પરંતુ ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ તેમજ તાજેતરમાં જ્યાં ત્રણ બાળ સહિત 12 ઘોરડા જોવા મળ્યાં, તો કર્ણાટક સહિત રાજ્યો માટે છે. ખાસ ઉલ્લેખનીય છે કે, બે વર્ષ પહેલાં ત્યારનાં મુખ્યમંત્રી વસુંધરા રાજેએ રાજસ્થાનમાંથી ઘોરાડના ઇંડાં ગુજરાતને આપવાનો ઇન્કાર કરી દીધા બાદ વનમંત્રાલય અને ભારતીય વન્ય જીવન સંસ્થાને બ્રિડીંગ સેન્ટર ગુજરાતમાંથી રાજસ્થાનમાં ખસેડી લેવું પડયું હતું. ઓગસ્ટ 2009માં રાજસ્થાનના વન અને પર્યાવરણ પ્રધાન સુખરામ વિશ્નોઇએ કહ્યું હતું કે, ગુજરાત સરકાર દરખાસ્ત મોકલે તો પણ રાજસ્થાનમાંથી નર ઘોરાડ પકડીને ગુજરાતમાં તેને મોકલવું મુશ્કેલ બનશે. હકીકતમાં ગુજરાત સરકારે તેની તમામ માદા ઘોરાડ એકઠી કરી અને રાજસ્થાન મોકલી દેવી જોઇએ. રાજસ્થાને અગાઉ જ વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટીટયૂટ ઓફ ઇંડિયા અને અબુધાબીની મદદથી બ્રિડીંગ સેન્ટર ઊભું કરી જ દીધું છે. અમે એવું ઇચ્છીએ છીએ કે ગુજરાત તમામ `હાઇ-ટેન્શન' વીજ તારો અંડરગ્રાઉન્ડ કરી નાખે, નહિંતર નર ઘોરાડો મોકલવાથી કોઇ હેતુ સાર્થક નહીં થાય, તેવું તેમણે ઉમેર્યું હતું. ગુજરાતના વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ઘોરાડની સંખ્યા ઘટીને 20 થઇ ગઇ ત્યારે જ અમે આ અંગે પ્રસ્તાવ મૂકયો હતો પરંતુ આજે કોઇ નર ઘોરાડ નથી બચ્યો, ત્યાં સુધી પણ સરકારે આ પ્રશ્ન ઉકેલ્યો નથી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer