કિસાન ક્રેડિટ કાર્ડના ફોર્મ સ્વીકારવાની ના પાડતાં બેન્ક ઓફ બરોડા સામે રોષ

આડેસર, (તા. રાપર), તા. 18 : જરૂરી ડોકયુમેન્ટ જોડવા છતાં બેન્ક ઓફ બરોડા દ્વારા કિસાન ક્રેડિટ કાર્ડ બનાવવાના ફોર્મ ન સ્વીકારતાં ગ્રામ પંચાયત અને બેંક સામે સામે આવી ગયા હતા. સરકારનું લક્ષ છે કે તમામ ખેડૂતોને આવતી 23/2 સુધી કિસાન ક્રેડિટ કાર્ડ મળી જાય તેના માટે તમામ ગ્રા.પં.ના તલાટીઓને આ બાબતનો જી.આર. મોકલાવેલ છે જેમાં સાતબાર, આઠ અ, વાવેતરનો દાખલો, આધાર કાર્ડ, પાનકાર્ડ અને બેંકની પાસબુક નિયત ફોર્મમાં ભરવાની સુચના મળી છે. આટલા ડોકયુમેન્ટ છતાં આડેસર સ્થિત બેંક ઓફ બરોડામાં ફોર્મ સ્વીકારવાની ચોખ્ખી ના પાડી દીધી છે. બેંક મેનેજરના કહ્યા મુજબ જે ખેડુતને કિસાન ક્રેડિટ કાર્ડ બનાવવું હોય તેમણે, સાત બાર, આઠ અ, ઉતરોતરની તમામ નોંધો ખેતરની ચતુરદિશા, તમામ બેંકોના નો -ડયુ સર્ટી આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, ફોટા, 300 રૂા.ના બે સ્ટેમ્પ પર સોગંદનામું, બેંકની પાસબુક, ગેરંટરના આધાર વિ. જેવા તમામ ડોકયુમેન્ટ હશે તો જ કિસાન ક્રેડિટ કાર્ટ મળશે તેવું આડેસર ગ્રામપંચાયતે યોજેલી મિટિંગમાં જણાવ્યું હતું. મિટિંગમાં ઉપસ્થિત અને ખેડૂતોએ પાક ધિરાણ માટે ત્રણ-ત્રણ વરસથી ધક્કા ખાધાની ફરિયાદ તેમજ એજન્ટ વિના પાક ધિરાણ આપતા જ ન હોવાના આક્ષેપો કર્યા હતા. બેંક મેનેજર ફરિયાદ કરનાર સામે અશોભનીય વર્તન કરતા હોવાના આક્ષેપો કર્યા હતા. સરપંચ ભગાભાઇએ નારાજગી દર્શાવી હતી. આડેસર બેંકમાં 35000 ખાતાઓ છે અને બેંકમાં સ્ટાફ માત્ર પાંચ જણનો જેથી લોકોની નારાજગી રહેવાની જ. ગામના સ્વરૂપચંદભાઇએ બેંક તરફથી કનડગત થતી 60 જેટલી સમસ્યાઓ લેખિતમાં રજૂ કરી હતી. આ ગંભીર સમસ્યાનું તાત્કાલિક નિવારણ આવે એવું અહીંના રહીશો અને ખાસ કરીને ખેડૂતો ઇચ્છી રહ્યા છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer