નલિયામાં આધારકાર્ડ સંલગ્ન તમામ કામગીરી સદંતર ઠપ

નલિયા, (તા.અબડાસા), તા. 18 : અહીં આધાર કાર્ડ સંલગ્ન કામગીરી લાંબા સમયથી બંધ હોવાથી ગામડાઓમાંથી આવતા અરજદારો મામલતદાર કચેરીના પગથિયાં ચડ-ઉતર કરી રહ્યા છે. નલિયા મામલતદાર કચેરીમાં નવા આધારકાર્ડ કે આધારકાર્ડમાં ક્ષતિ હોય તેની સુધારણા માટે કોન્ટ્રેકબેઝથી વ્યવસ્થા ગોઠવાઈ હતી. છેલ્લા પંદર દિવસથી સદંતર કોઈ કારણસર આ સેવા બંધ કરી દેવાઈ છે. નવા આધારકાર્ડ બનાવવા કે જૂના આધારકાર્ડના નામમાં કઈ ક્ષતિ હોય તો તે સુધારવા મામલતદાર કચેરીમાં દરરોજ ગ્રામ્ય વિસ્તારમાંથી અરજદારો આવે છે. પણ સેવા બંધ હોવાની સાથે તંત્ર દ્વારા અરજદારોને સંતોષકારક જવાબ આપવામાં ન આવતાં અરજદારો લાચાર સ્થિતિમાં મુકાય છે. આધાર કાર્ડની ઉપયોગીતા ખાસ કરીને સરકારી યોજનાઓમાં વધુ હોય છે. જેથી નવા આધાર કાર્ડો અને તેને સંલગ્ન કામગીરી સદંતર ઠપ હોતાં સરકારી યોજનાનો લાભ લેવા માગતા અનેક અરજદારો મુશ્કેલીમાં મુકાયા છે.  એટલું અપૂરતું હોય તેમ જેના-જેના આધારકાર્ડ બની ગયા છે તેમાં જોડણી અને નામમાં અનેક ક્ષતિઓ રહી જતાં સુધારણા ન થતાં અરજદારોની મુશ્કેલી યથાવત રહી છે. નલિયાના ગોપાલ મૂળજી ગઢવીએ વ્યક્તિગત ધોરણે આ મુદ્દે સરકારી તંત્રોનું ધ્યાન દોર્યું છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer