નર્મદાની બ્રાન્ચ કેનાલનું કામ તો પૂરું કરો

રાપર, તા. 18 : કચ્છને સિંચાઈ માટે ફાળવાયેલાં નર્મદાના નિયમિત અને વધારાના પાણીના કાર્યો ઝડપથી પૂર્ણ કરવા તેમજ રાપર અને ભચાઉ તાલુકાના બાકી રહેતા ગામડાંઓમાં સત્વરે નર્મદાનીર પહોંચાડવા તથા આગામી બજેટમાં નર્મદા માટે પૂરતા નાણાંની ફાળવણી કરવા અંગે રાપરના ધારાસભ્યે સરકાર સમક્ષ રજૂઆત કરી હતી.રાજ્ય સરકારમાં વિવિધ સ્થળે  રજૂઆત કરતાં તેમણે જણાવ્યું હતું કે, વર્ષ 1979માં કચ્છને નર્મદા નદીના નિયમિત પાણી ફાળવવામાં આવ્યા હતા અને 352 કિમી લાંબી કચ્છ બ્રાન્ચ કેનાલનું માંડવીના મોડકુબા સુધી આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ દુ:ખ સાથે જણાવ્યું હતું કે, રજૂઆતો કરવા છતાં આ યોજનાના 40 વર્ષ બાદ પણ કચ્છ બ્રાન્ચ કેનાલના કામો પૂર્ણ કરવામાં આવ્યાં નથી અને માંડવીના મોડકુબા સુધી આ પાણી પહોંચાડવામાં આવ્યા નથી. વિશેષમાં જણાવવાનું કે, ટપ્પર ડેમ બાદ જમીન સંપાદનના બહાના હેઠળ આ કામ સ્થગિત કરી દેવામાં આવ્યું છે ઉપરાંત ગાગોદર, વાંઢિયા    બ્રાન્ચ અને દુધઈ બ્રાન્ચના કામો પણ પરિપૂર્ણ કરવામાં આવ્યાં નથી. સબ બ્રાન્ચ કેનાલ સબસિડીઅરી કેનાલ કે માઈનોર કેનાલના કામો પણ હાથ પર લેવામાં આવ્યા નથી તેમજ એક પણ ખેડૂત મંડળીની રચના પણ કરવામાં આવી નથી. પરિણામ સ્વરૂપે 2,85,000 એકરમાં આ નિયમિત પાણી પહોંચાડવાના બદલે સરદાર સરોવર નર્મદા નિગમ એક પણ એકર જમીનમાં આ પાણી પહોંચાડી શકયા નથી. વધુ અછતગ્રસ્ત જિલ્લા એવા કચ્છ પ્રત્યે ઓરમાયું વર્તન દાખવવામાં આવે છે. આ રજૂઆત દ્વારા વિનંતી કરી હતી કે, શક્ય ત્વરાએ કચ્છ બ્રાન્ચ કેનાલના કાર્યો પરિપૂર્ણ કરવામાં આવે. સાથે સાથે બ્રાન્ચ કેનાલ તથા અન્ય કેનાલોના કામો પણ પરિપૂર્ણ કરવામાં આવે તેમજ જરૂરી પાણી મંડળીઓની રચના કરવામાં આવે તેમજ આયોજન મુજબ શક્ય ત્વરાએ કચ્છના ખેતરે ખેતરે પાણી પહોંચતા કરવામાં આવે તેવી માંગણી કરી હતી. 2006માં સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડીને કચ્છને નર્મદા નદીના વધારાના 3.00 એમ.એ.એફ. પાણીમાંથી 1.00 એમ.એ.એફ. પાણી ફાળવવાનું જાહેર કરવામાં આવ્યું હતું. પરિપત્રની જાહેરાતને આજે 13 વર્ષ જેટલો સમયગાળો પસાર થઈ ગયો હોવા છતાં અને તેના સંપૂર્ણ આયોજનો કન્સલ્ટિંગ કંપનીએ સરકારએ આપી દીધા હોવા છતાં આજ દિન સુધી ગુજરાત સરકારએ આ કાર્યોની વહીવટી મંજૂરી આપી નથી અને એ કાર્યોની શરૂઆત પણ કરી નથી. અન્ય તરફ વર્ષ 2006ની જાહેરાત બાદ ઉત્તર ગુજરાતના આ કાર્યો સુજલામ-સુફલામ યોજના અંતર્ગત પૂર્ણ કરી દેવામાં આવ્યા છે. સૌની યોજના હેઠળ સૌરાષ્ટ્રના મોટા ભાગના કામો પણ પૂર્ણ કરી દેવામાં આવ્યા છે, જ્યારે કચ્છના કામોની વહીવટી મંજૂરી પણ આપવામાં આવી નથી. અહીં પણ કચ્છની જનતાને અન્યાયની લાગણી દેખાઈ રહી છે, એમ તેઓએ અંતમાં જણાવ્યું હતું.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer