આહીરાત લગ્નની શરણાઈઓથી ગુંજી ઊઠી

આહીરાત લગ્નની શરણાઈઓથી ગુંજી ઊઠી
રાયધણપર (તા. ભુજ), તા. 14 : કચ્છ મચ્છોયા આહીર સમાજમાં બે દિવસમાં 618 લગ્નો પરંપરાગત રીતરિવાજ મુજબ યોજાયા હતાં. લગ્નોનાં પગલે આહીર સમાજનાં ગામડાં લગ્નગીતોથી ગુંજી ઉઠયા હતાં અને લગ્નની શરણાઈના શૂર-ઢોલથી ધમધમાટ વર્તાયો હતો.  કચ્છમાં મચ્છોયા આહીર સમાજની ખાસ કરીને અંજાર-ગાંધીધામ-ભુજ અને મુંદરા તાલુકામાં નોંધપાત્ર વસ્તી છે. કચ્છ મચ્છોયા આહીર સમાજના પ્રમુખ તેજાભાઈ કાનગડ અને મંત્રી કિરણભાઈ બાબુભાઈ ખટારિયાની એક યાદી મુજબ બે દિવસ દરમ્યાન સમાજની પડાણા વઈમાં 174, વાઘુરામાં 93, પધ્ધરમાં 183, ટપ્પરમાં 35, ભુવડમાં 133 એમ કુલ 618 લગ્નો યોજાયાં હતાં. આહીર સમાજમાં પણ આધુનિક્તાનું આકર્ષણ આવવાની સાથે હવે આહીર ભરતકામ સાથેના આહીર પહેરવેશનું આકર્ષણ ફરીથી વધવા લાગ્યું છે. પરંપરાગત આહીર પહેરવેશમાં ફોટોગ્રાફી, વીડિયોગ્રાહી ખીલી ઊઠતી હોવાથી પરંપરાગત આહીર પહેરવેશ હવે આકર્ષક બન્યો છે. આહીર સમાજમાં અગાઉના જમાનામાં લગ્નની ઉજવણી લગભગ પાંચ દિવસ ચાલતી પરંતુ હવે એક જ દિવસમાં લગ્ન લેવાય છે. આહીર સમાજ દ્વારા વિવાહ પ્રસંગ નિમિત્તે ગામની ગાયોના ચારા માટે, સમાજના વિવિધ કાર્યો માટે ફાળો આપવામાં આવે છે. આ વર્ષે લગ્નો દરમ્યાન આહીર કન્યા વિદ્યામંદિર-આદિપુર માટે પણ આર્થિક સહયોગ અપાયો હતો. અમુક ગામોમાં બળદગાડાંમાં પણ વરરાજાને બેસાડી વરઘોડો નીકળ્યો હતો. આહીર સમાજના અગ્રણી અને રાજ્યમંત્રી વાસણભાઈ આહીર, મચ્છોયા આહીર સમાજના પૂર્વ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય શિવજીભાઈ આહીર સહિતના અગ્રણીઓ લગ્નોના આ માહોલમાં ગામડે-ગામડે હાજરી આપતા દેખાયા હતા.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer