ગોધરાના અગ્રણીનો અનેરો કચ્છીપ્રેમ : પુત્રીનાં લગ્નની કંકોતરી કચ્છીમાં બનાવી

ગોધરાના અગ્રણીનો અનેરો કચ્છીપ્રેમ : પુત્રીનાં લગ્નની કંકોતરી કચ્છીમાં બનાવી
જીવરાજ ગઢવી દ્વારા-  કોડાય (તા. માંડવી), તા. 14 : કચ્છી ભાષા અને કચ્છી માડુ તેની મીઠાશ અને વતનપ્રેમ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. તાલુકાના ગોધરાના અગ્રણી મહેશ ભાઇલાલ દરજીએ તેમના કચ્છી ભાષા પ્રત્યેના ભારોભાર પ્રેમને પુત્રીનાં લગ્નની કંકોતરીમાં અભિવ્યક્ત કર્યો છે. સંપૂર્ણ કંકોતરી કચ્છીમાં લખી છે. પુત્રી જાગૃતિનાં લગ્ન પ્રફુલ્લભાઇ દરજી (વિથોણ હાલે ડોભાળા)ના પુત્ર અક્ષય સાથે તા. 16ના નિર્ધારિત કર્યા છે. આ પ્રસંગને વિશેષ બનાવતી કંકોતરીમાં જખૌના દશેવાળી મેળી અને તેરાની ભાટિયાવાળી હવેલીના પ્રવેશદ્વાર મુકાયા છે. જે તેને આકર્ષક ઓપ આપે છે. તો પાછળના ભાગે ભાતીગળ ભૂંગાઓ અને માલધારીઓને દર્શાવાયા છે. `અચીજા ગોધરો ગોઠ, આંકે વિંયાજી કોઠ'ના મથાળા સાથેની કંકોતરીમાં `ઊડી વિંનેત્યું ધીયરું, છડી વિંનેત્યું ધીયરું' જેવા લાગણીસભર કચ્છી શબ્દોનું બખૂબી વર્ણન કર્યું છે. શ્રી મોઢે ત્રણ વર્ષ અગાઉ પુત્રનાં લગ્નની કંકોતરી પણ કચ્છીમાં જ છપાવી હતી. સ્વચ્છતા અભિયાનને વેગ આપવા કંકોતરી સાથે કાપડની થેલીઓનું વિતરણ પણ તેમના દ્વારા કરાયું છે. ગુજરાત, મુંબઇ અને વિદેશથી પણ મહેશભાઇના કચ્છી ભાષા પ્રત્યેના પ્રેમની પ્રશંસા થઇ રહી છે. આગામી દિવસોમાં આવી બાબતો કચ્છી ભાષા માટે મહત્ત્વપૂર્ણ બની રહેશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer