દયાપર પાણી પુરવઠા કચેરી મિત્રીઓના ભરોસે

દયાપર પાણી પુરવઠા કચેરી મિત્રીઓના ભરોસે
દયાપર (તા. લખપત), તા. 14 : દર વર્ષે દુષ્કાળનો ભોગ બનતા તમામ તાલુકામાં ગત વર્ષે શ્રીકાર વરસાદ પડતાં ડેમ-તળાવો પાણીથી ભરાયાં છે. તેથી પાણીના પ્રશ્નો હવે છૂટક-છૂટક આવે છે પરંતુ ફેબ્રુઆરી-માર્ચ પછી ઉનાળાના દિવસોમાં અંતરિયાળ ગામોમાં પાણીના પ્રશ્નો ઉદભવશે અને આ પ્રશ્નો માટે આગોતરું આયોજન દર વખતે થતું હોય છે, પરંતુ દયાપરમાં તો નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી ગુંસાઇની વિદાય પછી ત્રણ મહિના થયા જગ્યા ખાલી છે. તો સુપરવાઇઝર નખત્રાણાથી કયારેક લટાર મારી જાય છે. જેના કારણે પાણીની લાઇન તૂટે કે મોટર બળી જાય તો કર્મચારીઓ પાસે કોઇ `પાવર' નથી અને પ્રશ્નો અટવાય છે. આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ પાણી પુરવઠા બોર્ડ દ્વારા 86 ગામોને લાઇન માટે પાણી અપાય છે. તાલુકામાં રિમોલ્ડિંગ પ્રોજેક્ટનાં કામો પૂર્ણ થતાં મરંમત નિભાવણીની કામગીરી એજન્સી હસ્તક છે. આ એજન્સીએ પોતાના એન્જિનીયર, ફીટર, ઓપરેટર વિગેરે 7 પેકેજ પર 142 લોકોને રાખવાના હોય છે, પરંતુ આખા તાલુકામાં 350 કિ.મી. પાઇપલાઇન માટે ફક્ત 4 માણસો કામ કરે છે, ત્યારે ચૂકવણું કેટલા માણસોનું કરાય છે તેની તપાસ થાય તો મોટું કૌભાંડ બહાર આવે તેમ છે. એજન્સીનું કામ હોવા છતાં પાણી પુરવઠા બોર્ડના 27 કાયમી કર્મચારીઓ શા માટે કામ કરે છે. ઉપરાંત બોર્ડ દ્વારા 32 રોજંદારને શા માટે રખાયા ? તે પણ મોટો પ્રશ્ન છે. આ અંગે પાણી પુરવઠા કચેરી દયાપરમાં જવાબ આપવા કોઇ સક્ષમ અધિકારી હાજર નથી! અને 32 રોજંદારનો 8 મહિનાથી પગાર નથી મળ્યો તેવા વાવડ છે. આવડા મોટા લખપતના વિસ્તાર માટે નખત્રાણાના અધિકારીને ચાર્જ અપાયો તો તેઓ આવતાં જ રજામાં ઊતરી ગયા છે. હાલમાં  પાણીના સમ્પ પર આવેલી બેથી ત્રણ મોટર બંધ પડી છે, જ્યારે ઝેરોક્ષના બિલ નથી ચૂકવાતાં, તો આ મોટર મરંમતની રકમ કોણ ચૂકવશે ? તેવી બીકથી કર્મચારીઓ કામ નથી કરાવી શકતા. વળી કર્મચારીઓ પાસે કેઇ પાવર નથી. પાણી પુરવઠા કચેરી પાસે 1 ટેન્કર છે. જે મિત્રીઓના ભરોસે છે. જો કે, આખી કચેરીનો વહીવટ મિત્રીઓ ચલાવે છે. સરકારી મિટિંગોમાં પણ પ્રતિનિધિ તરીકે મિત્રીઓ હાજરી આપે છે. હવે જ્યારે ઉનાળાની શરૂઆત થવાની છે ત્યારે ગામડાઓમાં પાણીના પ્રશ્નો ન ઉદ્ભવે તે માટે અહીં તાત્કાલિક નિયમિત ના.કા.ઇ.ને મૂકવામાં આવે તે સમયની જરૂર છે. દોલતપર-બરંદા પાણીની લાઇનોમાં પાણી સમસ્યાથી લોકો ત્રસ્ત થયા છે અને રોડ પર પાણીના બેડલાં લઇ ઊભા હોય છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer