કારાઘોઘા અને બોચા વચ્ચે સીમાડામાં આગ : 30 એકરમાં ઘાસ ભસ્મીભૂત

કારાઘોઘા અને બોચા વચ્ચે સીમાડામાં આગ : 30 એકરમાં ઘાસ ભસ્મીભૂત
મુંદરા, તા. 14 (પ્રતિનિધિ દ્વારા) : તાલુકામાં કારાઘોઘા અને બોચા ગામ વચ્ચેની સીમમાં લાગેલી આગનાં પગલે ભારે દોડધામ મચી હતી. લગભગ ત્રીસેક એકર ઘેરામાં ફેલાયેલી આ આગમાં પશુઓ માટે બે મહિના ચાલે તેટલું ઘાસ સળગી ગયું હતું. બોચા અને કારાઘોઘાની વચ્ચે 30 એકર સીમમાં આગ ફેલાઈ હતી. કારાઘોઘાના યુવા અગ્રણી મુકેશ શેઠિયા તથા બાબિયાના ઉપસરપંચ યુવરાજસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, આજે બપોરના 1 વાગ્યે સીમાડામાં આગ લાગી ત્યારે કાળા ડિબાંગ ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા. આગની તીવ્રતા મોટી હતી. અંદાજિત 30 એકર જમીનમાં સૂકું ઘાસ જે પશુઓ માટે 2 મહિનાનું હતું તે આગમાં બળીને ભસ્મ થઈ ગયું હતું. જિંદાલ સો-પાઈપ કંપનીને જાણ કરતાં ફાયરબ્રિગેડની ટીમ આવી પહોંચી હતી તથા બોચા ગામના યુવાનો પાણીનું ટેન્કર ભરી આવ્યા હતા અને મદદરૂપ થયા હતા. આગ લાગવાનું કારણ કોઈ બીડી કે સિગારેટનું તણખલું હોવાનું અનુમાન લોકો કરી રહ્યા છે. 1 કલાક બાદ આગ કાબૂમાં આવી હતી. સરપંચ મેઘજીભાઈ રબારી, હરેશભાઈ મહેશ્વરી તથા કારાઘોઘા-બોચા ગામના અગ્રણીઓ-યુવાનો આગ બુઝાવવામાં સહયોગી થયા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer