ગાંધીધામમાં વાલ્મીકિ સમાજના રમતોત્સવનું થયું આયોજન

ગાંધીધામમાં વાલ્મીકિ સમાજના રમતોત્સવનું થયું આયોજન
ગાંધીધામ, તા. 14 : અહીંના ભીમ યુવા સંગઠન વાલ્મીકિ સમાજ દ્વારા એક દિવસીય રમતોત્સવનું આયોજન રમતગમત સંકુલના મેદાનમાં કરવામાં આવ્યું હતું. સમાજમાં સમાનતા, એકતા જળવાઈ રહે તથા આવનારા સમયમાં ભવિષ્યની પેઢી પણ દરેક ક્ષેત્રે આગળ વધે તે હેતુથી આ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રમતગમતના કાર્યક્રમમાં સમાજના સભ્યો તથા અન્ય સંગઠનોના કાર્યકર્તાઓ પણ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે દીપ પ્રાગટય કરી બાબાસાહેબ આંબેડકરના સૂત્રો બોલી, રાષ્ટ્રગાન ગાઈ આ રમતોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. રમતગમતના આ કાર્યક્રમમાં જુદી-જુદી 10 રમતોનું આયોજન કરાયું હતું. જેમાં બાળકો, વડીલો, મહિલાઓએ ભાગ લીધો હતો. આ રમતોમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનારાઓને ટ્રોફી તથા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. ભીમ યુવા  સંગઠન આવા કાર્યો કરતું રહેશે તેવી પ્રતિજ્ઞા આ સંગઠનના સભ્યોએ લીધી હતી. આવા આયોજનોથી બાબાસાહેબના સપના પૂર્ણ થતાં હોવાનું આ વેળાએ જણાવાયું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer