કંડલાનાં ઝૂંપડાં હટાવવા સંદર્ભે કોંગ્રેસે રેલવેને કરી રજૂઆત

કંડલાનાં ઝૂંપડાં હટાવવા સંદર્ભે કોંગ્રેસે રેલવેને કરી રજૂઆત
ગાંધીધામ, તા 14 : બંદરીય કંડલાના શિરવા કોલોની મધ્યે રેલવેની હદમાં બનેલાં રહેણાંકના ઝૂંપડાંઓ હટાવવા અંગેની કાર્યવાહી મુલતવી રાખવા જિલ્લા કોંગ્રેસ દ્વારા એરિયા રેલવે મેનેજર    સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. એ.આર.એમ.ને પાઠવેલા પત્રમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાના જણાવ્યા પ્રમાણે કંડલા વિસ્તારમાં કંડલા પોર્ટના લેન્ડ વિભાગ દ્વારા કરાયેલા સર્વેમાં 4050 જેટલાં ઝૂંપડાંઓ નોંધાયેલાં છે.વાવાઝોડામાં અસરગ્રસ્તોને રેહવાસીઓની પુન: સ્થાપના  યોજના  હેઠળ ભારત સરકારના ટ્રાન્સપોર્ટ મંત્રાલય દ્વારા પ્રત્યેક કુટુંબને 25 સ્કવેર મીટર જમીન  30 વર્ષની લીઝ ઉપર અપાઈ છે. જે તે સમયે 1200 પરિવારોને ગાંધીધામમાં જમીન આપવામાં  આવી અને અન્ય રહી ગયેલા 2800 જેટલા પરિવારો આ ઝૂંપડામાં રહે છે.ભવિષ્યમાં આ અસરગ્રસ્તોને જમીન આપવામાં આવશે. તેમની પાસેથી એફિડેવિટ લેવામાં આવી  હતી. પરંતુ આ મામલે વખતો વખત રજૂઆતો કરવા છતાંય હજુ સુધી આ 2800 પરિવારને જમીન મળી નથી. ગરીબ અને શ્રમિક વર્ગ અહીં વસવાટ કરે છે ત્યારે વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી તેમને ન  હટાવવામાં આવે તેવું પત્રમાં જણાવાયું છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer