પીયુસી લેવામાં લોકો બન્યા ઉદાસીન, આરટીઓને ચેકિંગ તેજ કરવા માંગ

પીયુસી લેવામાં લોકો બન્યા ઉદાસીન, આરટીઓને ચેકિંગ તેજ કરવા માંગ
ભુજ, તા. 14 : રાજ્ય સરકાર દ્વારા વાહનોમાં પોલ્યુશન અન્ડર કન્ટ્રોલ પ્રમાણપત્ર (પીયુસી) ફરજિયાત બનાવાયા છતાં કચ્છમાં વાહનધારકો હજુ પીયુસી લેવા અંગે ઉદાસીનતા દાખવતા હોવાથી જિલ્લાના પીયુસી ધારકોના મંડળે આરટીઓ સમક્ષ ચેકિંગ હાથ ધરવા અને કચેરીના કામો વખતે પણ પીયુસી છે કે નહીં તેની સઘન તપાસ કરવા માંગ કરી છે. કચ્છ જિલ્લા પીયુસી ઓનર્સ એસોસિએશન દ્વારા આજે આરટીઓ કચેરી ખાતે ઈન્ચાર્જ આરટીઓ વિશાલ ચૌહાણને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં એ બાબતે ધ્યાન દોરવામાં આવ્યું હતું કે પીયુસી અંગે રોડ તપાસ ઠપ જેવી થઈ ગઇ છે. આરટીઓ કચેરીમાં અનેક કામગીરીમાં પીયુસી ફરજિયાત હોવા છતાં તેની અનદેખી કરવામાં આવી રહી છે અને ડ્રાઈવિંગ લાયસન્સ ટ્રેક પર પણ પીયુસી કે વીમાની કોઈ ચકાસણી કરવામાં આવતી નથી.આવેદન પત્રમાં જણાવાયું હતું કે, આ બધાને કારણે લોકો પીયુસી બાબતે ઉદાસીન થઈ રહ્યા છે અને સરકારના નવા નિયમોને આધીન થઈને કચ્છમાં અદ્યતન ટેકનોલોજીયુક્ત મશીનરી, ઈન્ટરનેટ સહિતના કરાયેલા રોકાણ અનુસાર વળતર ન મળતું હોવાથી પીયુસી કેન્દ્રના ધારકોને આર્થિક ખોટ જઈ રહી છે. આવેદનપત્ર આપનારા પ્રતિનિધિમંડળમાં ઉમર સમા, આનંદ ગઢવી, કરમશી બાપુ, કાસમ ખલીફા સહિતના જોડાયા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer