પુલવામાની વરસીએ ભાજપ-કોંગ્રેસ વચ્ચે શબ્દયુદ્ધ

આનંદ કે. વ્યાસ તરફથી-  નવી દિલ્હી, તા. 14 : પુલવામા હુમલો કે જેમાં ગયા વર્ષે 40 સીઆરપીએફ જવાનો શહીદ થઈ ગયા હતા તેની પ્રથમ વરસી પર આજે ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે `શાબ્દિક યુદ્ધ' ફાટી નીકળ્યું હતું. પુલવામાના શહીદોને અંજલિ આપતાં ભાજપ સરકારને ત્રણ સવાલ પૂછીને કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આ હુમલાની શરૂઆત કરી હતી. `આજે આપણે પુલવામા હુમલામાં શહીદ થયેલા આપણા 40 જવાનોને યાદ કરીએ છીએ. આપણે પૂછીએ: (1) આ હુમલાથી સૌથી વધુ ફાયદો કોને થયો હતો? (2) આ હુમલાની તપાસનું પરિણામ શું આવ્યું છે? અને (3) આ હુમલો થયો ત્યારે સુરક્ષાની ઊણપ માટે ભાજપ સરકારમાં કોને જવાબદાર ગણવામાં આવ્યા છે? આ ત્રણ સવાલ રાહુલ ગાંધીએ ટ્વીટર પર પૂછ્યા હતા. રાહુલ ગાંધીના આ વિવાદાસ્પદ ટ્વીટ બાદ શાસક પક્ષ તરફથી તરત જ પ્રતિક્રિયા આવી હતી. `તમને શરમ આવવી જોઈએ' એમ ભાજપના પ્રવક્તા જી. વી. એલ. નરસિંહરાવે જણાવ્યું હતું. `જ્યારે રાષ્ટ્ર પુલવામાના શહીદોને શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે ત્યારે એલઈટી અને  જૈશે મોહમદના હિતેચ્છુ તરીકે જાણીતા રાહુલ ગાંધીએ ન કેવળ સરકાર, પરંતુ સુરક્ષા દળોને નિશાન બનાવવાનું પસંદ કર્યું છે. રાહુલ ક્યારે પણ આ હુમલાના ખરા દોષી પાકિસ્તાનને સવાલ નહીં કરે' એમ રાવે ટ્વીટ કર્યું હતું. કેન્દ્રીય પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ કૉંગ્રેસને `િહસ્ટરી શીટર' પાર્ટી ગણાવી હતી અને જણાવ્યું હતું કે કૉંગ્રેસ હંમેશાં રાષ્ટ્રીય અને સુરક્ષાને લઈને રાજકારણ કરતી આવી છે. તેઓ ભારતની સર્જિકલ અને બાલાકોટ સ્ટ્રાઇક સામે પણ સવાલ કરે છે. કૉંગ્રેસ પાકિસ્તાનની ભાષા બોલી રહી છે એમ તેમણે વધુમાં જણાવ્યું હતું. `આ તો દેશ માટે શહીદી આપનારા જવાનોનું અપમાન છે. કૉંગ્રેસે આવું અગાઉ પણ કર્યું છે અને લોકોએ તેમને આવા છબરડા માટે પાઠ પણ ભણાવ્યો છે. રાહુલ ગાંધીનાં આવાં નિવેદનોની મદદથી પાકિસ્તાન ભારત સામે આંતરરાષ્ટ્રીય મંચો પર સવાલ ઉઠાવશે' એમ ભાજપના નેતા શાહનવાઝ હુસૈને જણાવ્યું હતું. થોડા કલાક બાદ પત્રકાર પરિષદમાં કૉંગ્રેસના પ્રવક્તા જયવીર શેરગિલે આ હુમલા માટે જવાબદાર ગુપ્તચર તંત્રની નિષ્ફળતા તેમ જ સુરક્ષાની ઊણપ અંગે ચૂપ રહેવાનો ભાજપ પર આરોપ મૂક્યો હતો. રાષ્ટ્રીય સુરક્ષા માટે ભાજપ સૌથી પહેલા યશ લેતું આવ્યું છે, પરંતુ ગુપ્તચર તંત્રની નિષ્ફળતા અને સુરક્ષાની ભૂલ બદલ તે ખામોશ છે. અમે રાષ્ટ્રીય હિતમાં છેલ્લા એક વર્ષથી ભાજપને સવાલ પૂછી રહ્યા છીએ એમ શેરગિલે વધુમાં જણાવ્યું હતું. કૉંગ્રેસના પ્રવક્તા જયવીર શેરગિલે રાહુલ ગાંધીનો જોરદાર બચાવ કરતાં જણાવ્યું હતું કે 26/11ના હુમલા વખતે તત્કાલીન સરકારને સવાલ કરવા નરેન્દ્ર મોદીએ પત્રકાર પરિષદ યોજી હતી, પરંતુ રાહુલ ગાંધી જ્યારે પુલવામા હુમલા વિષે સવાલ ઉઠાવે છે ત્યારે તેઓ દેશવિરોધી થઈ જાય છે. `જો ભાજપ સરકાર અને વડા પ્રધાન પોતાની જાહેરાતો માટે રૂપિયા 4500 કરોડ અને એસપીજી સિક્યોરિટી પાછળ દરરોજના રૂપિયા 1.5 કરોડ ખર્ચી શકતા હોય તો શા માટે ભાજપ સરકાર પુલવામાના શહીદોના પરિવારોને આપેલાં વચન પાળતા નથી? એવો સવાલ શેરગિલે કર્યો હતો.' ચૂંટણી વખતે સૈનિકો તરફનું ભાજપનું વલણ `હમ સાથ સાથ હૈ' જેવું અને ચૂંટણી બાદ `હમ આપકે હૈ કૌન' જેવું રહ્યું છે  એમ શેરગિલે જણાવ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer