એશિયન બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં ભારત સેમિફાઇનલમાં

મનીલા, તા. 14 : ભારતીય પુરુષ બેડમિન્ટન ટીમ આજે અહીં એશિયન બેડમિન્ટન ટીમ ચેમ્પિયનશિપમાં રસાકસી બાદ થાઇલેન્ડ સામે 3-2થી રોમાંચક જીત મેળવીને સેમિફાઇનલમાં પહોંચીને ચંદ્રક પાક્કો કરી લીધો છે. સ્ટાર શટલર કિદાંબી શ્રીકાંત અને બી સાઇ પ્રણિતને પહેલી બે સિંગલ્સ મેચમાં થાઇલેન્ડના ખેલાડીઓ સામે હાર મળી હતી. આથી ભારત 0-2થી પાછળ હતું. બાદમાં ભારતીય ટીમે સફળ વાપસી કરીને બાકીના ત્રણ મુકાબલા જીતીને થાઇલેન્ડને હાર આપી હતી. આ ત્રણ મુકાબલામાં બે ડબલ્સના અને એક સિંગલ્સનો મેચ હતો. ડબલ્સમાં એમઆર અર્જુન અને ધ્રુવ કપિલાની જોડીએ થાઇલેન્ડની જોડી સામે 22-20 અને 21-14થી મહત્ત્વની જીત મેળવી હતી. આ પછી સિંગલ્સમાં યુવા લક્ષ્ય સેને શાનદાર રમતનું પ્રદર્શન કરીને થાઇલેન્ડના ખેલાડી સુપાન્યુને 21-19 અને 21-18થી હાર આપીને સ્કોર 2-2ની બરાબરી પર લાવી દીધો હતો. હવે બધો આધાર આખરી ડબલ્સ મુકાબલા પર હતો. જેમાં શ્રીકાંત અને ચિરાગ શેટ્ટીની જોડીએ થાઇલેન્ડની જોડી મનીપોંગ અને નિપિટફોનને 21-1પ, 16-21 અને 21-1પથી હાર આપીને ભારતને 3-2થી જીત અપાવી હતી. ભારતીય પુરુષ ટીમે સેમિફાઇનલમાં પહોંચીને ઓછામાં ઓછો કાંસ્ય ચંદ્રક તો પાકો કરી લીધો છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer