મનફરામાં ખૂન કા બદલા ખૂન : વૃદ્ધની હત્યા

ગાંધીધામ, તા. 14 : ભચાઉ તાલુકાના મનફરા ગામમાં સાંતલપરી વિસ્તારમાં શાળા પાસે ખીમા સાદુર કોળી (ઉ.વ. 60) નામના વૃદ્ધ ઉપર ત્રણેક શખ્સ છરી વડે હુમલો કરી નાસી ગયા હતા. આ ઘટનામાં વૃદ્ધનું મોત થતાં ખૂન કા બદલા ખૂનના આ બનાવથી ભારે ચકચાર પ્રસરી હતી. મનફરા ગામમાં રહેતા ખીમાભાઈ કોળી નામના વૃદ્ધ આજે ભચાઉ બાજુ ખરીદી કરવા આવ્યા હતા. ત્યાંથી પરત આવી કકરવા જતા વાડીવાળા માર્ગ પરથી પગપાળા જઈ રહ્યા હતા. તે દરમ્યાન બાઈક પર સવાર ત્રણેક શખ્સ ત્યાં આવ્યા હતા. આ શખ્સોએ ખુન્નસપૂર્વક વૃદ્ધ ઉપર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો. આ વૃદ્ધના ગળા તથા શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ થતાં તેમનું મોત થયું હતું. આજે બપોરે એકાદ વાગ્યાના અરસામાં હત્યાના આ બનાવને અંજામ આપી બાઈક પર આવેલા ત્રણેય શખ્સ નાસી ગયા હતા. પોલીસ ચકચારી એવા આ બનાવમાં ફરિયાદ નોંધવા સહિતની કાર્યવાહીમાં જોતરાઈ હતી, પરંતુ મોડે સુધી આ અંગે ફરિયાદ ચોપડે ન ચડતાં વધુ વિગતો બહાર આવી શકી નહોતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ખીમાભાઈ કોળીના પરિવારજનો પૈકી અમુકે બે-ત્રણ વર્ષ અગાઉ એક વ્યક્તિની હત્યા કરી હતી. જે અંગે ગુનો પણ નોંધાયો હતો. બાદમાં આ પ્રકરણમાં સમાધાન થયું હોવાનું પણ બહાર આવ્યું હતું. તેવામાં રાપર બાજુના આ ત્રણેક તહોમતદારે આજે બપોરે મનફરા આવી વૃદ્ધનું ઢીમ ઢાળી દઈને પોતાના જમાઈની હત્યાનો બદલો લીધો હોવાનું પોલીસ સૂત્રોએ ઉમેર્યું હતું. આ ચકચારી બનાવ અંગે ભચાઉના પી.આઈ. એમ.એચ. જેતપરિયાનો સંપર્ક કરતાં તેમણે ફોન ઊંચક્યો નહોતો. જેથી અન્ય વિગતો બહાર આવી શકી નહોતી. હત્યાનો બદલો હત્યાના વેરથી વાળવાના આ બનાવથી વાગડ પંથકમાં ભારે ચકચાર પ્રસરી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer