ભુજમાં વેપારીના ઘરમાંથી 89 હજારની તસ્કરી

ભુજ, તા. 14 : શહેરમાં સરપટ નાકા બહાર એરફોર્સ રોડ ઉપર આવેલી ઓધવ વંદના સોસાયટીમાં રહેતા વેપારી જિતેન્દ્ર બાલારામ મહેશ્વરીના બંધ મકાનના મુખ્ય દરવાજાના નકૂચાની કડી તોડી કોઇ હરામખોરો મકાનમાંથી રૂા. 89 હજારની માલમત્તા ઉઠાવી ગયા હતા. જિલ્લાના આ મુખ્યમથકે તાજેતરના દિવસોમાં વધી પડેલા મોટી ઘરફોડ ચોરીના આવા કિસ્સાઓ થકી કાયદાના રક્ષકો સામેનો તસ્કરોનો પડકાર વધુ મજબૂત બન્યો છે. તો કાયદાના રખેવાળો દ્વારા આ પ્રકારના ગુનાઓમાં નબળું ગુનાશોધન પણ સપાટીએ આવ્યું છે. ઓધવ વંદના સોસાયટીમાં પ્લોટ નંબર 177/180 ઉપર રહેતા અને આ જ સોસાયટીમાં ભૂમિ એન્ટરપ્રાઇઝ નામની ઇલેકિટ્રકની દુકાન ધરાવતા યુવાન વયના વેપારી જિતેન્દ્ર મહેશ્વરી અને તેમના પરિવારના સભ્યો ધણીમાતંગદેવની જન્મજયતીની ઉજવણી ઉત્સવ અનુસંધાને તેમના મામાના ઘરે ગાંધીધામ સપનાનગર ખાતે ગયા હતા, ત્યારે પાછળથી ગત સોમવારે સાંજના સાડા છ વાગ્યાથી ગઇકાલે બપોર સુધીમાં તસ્કરોએ આ ખાતર પાડયું હતું. વેપારીએ લખાવેલી ફરિયાદને ટાંકીને પોલીસ સાધનોએ માહિતી આપતા જણાવ્યું હતું કે આ ઘટનામાં બંધ ઘરના મુખ્ય દરવાજાના નકૂચાની કડી તોડી તસ્કરો ઘરમાં ઘૂસ્યા હતા. તેઓ શયનકક્ષના કબાટની તિજોરીમાંથી રૂા. 50 હજાર રોકડા અને રૂા. 39 હજારની કિંમતના સોનાચાંદીના દાગીના મળી કુલ રૂા. 89 હજારની માલમત્તા તફડાવી ગયા હતા. ઘરફોડ ચોરી વિશે જાણ થતાં અત્રેના એ. ડિવિઝન પોલીસ મથકના તપાસનીશ સબ ઇન્સ્પેકટર એસ.ઝેડ. ઝાલોરી સ્ટાફના સભ્યો સાથે સ્થાનિકે દોડી ગયા હતા. તસ્કરોની ભાળ મેળવવા તપાસના કામે હસ્તરેખા નિષ્ણાતો અને ગુનાશોધક ગંધપારખુ શ્વાનની મદદ પણ લેવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસ અને વહીવટી તંત્રના ટોચના અધિકારીઓની કચેરીઓ જ્યાં કાર્યરત છે તેવા જિલ્લાના આ પાટનગર ખાતે તાજેતરના દિવસોમાં મોટી ઘરફોડ ચોરીમાં જાણે રીતસરનો ઉછાળો આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં બનેલી અને અગાઉ બનેલી આવી અનેક તસ્કરીના તાગ વણઉકેલ હાલતમાં છે તેવા સમયે ફરી એક મોટી ઘરફોડી થતાં કાયદાના રખેવાળોની તુલનાએ તસ્કરોનો ઘોડો આગળ દોડી રહ્યો હોવાનો અહેસાસ થઇ રહ્યો છે. તો આ પ્રકારના મિલકત વિરોધી ગુનાઓના શોધન ક્ષેત્રમાં નબળી કહી શકાય તેવી કામગીરીનો મુદ્દો પણ પુન: સપાટી ઉપર આવ્યો છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer