ગાંધીધામ તેના નાગરિકોનાં હૃદયમાં ધબકે તે જરૂરી

ગાંધીધામ, તા. 14 : બે દિવસ પહેલાં જ આ શહેર સંકુલે પોતાના સ્થાપના દિવસની ઉજવણી કરી. આ ઉજવણીમાં સંકુલના નાગરિકો, સરકારના જુદા-જુદા વિભાગોને જોડવા ક્યારેય પ્રયાસ થતા નથી. પાલિકાની કામગીરી પણ આ શહેર તેના નાગરિકોનાં હૃદયમાં ધબકતું રહે તેવી કોઈ ભાવના ઊભી કરતી નથી. આ સંજોગોમાં શહેરના કેટલાક સરકારી અધિકારીઓ ખૂટતી કડી પૂરવાની અપીલ કરી રહ્યા છે.નગરપાલિકા સિવાય શહેર તથા તાલુકામાં જિલ્લા પંચાયત આંગણવાડી, શિક્ષણ અને આરોગ્યની જવાબદારી સંભાળે છે, પરંતુ આ સેવાઓ માટે આ શહેર સંકુલમાં જમીન જ ઉપલબ્ધ થતી નથી. નગરપાલિકાની આ દિશામાં પ્રાથમિક જવાબદારી છે.સિંધુ રિસેટલમેન્ટ કોર્પોરેશન (એસ.આર.સી.)એ ખાનગી શાળા, કોલેજો, હોસ્પિટલો કે અન્ય હેતુ માટે ઢગલાબંધ પ્લોટ ફાળવ્યા છે. ગરીબ અને મધ્યમવર્ગના લોકોને મળવાપાત્ર આરોગ્ય, શિક્ષણની સરકારી સવલત અર્થે કેમ કોઈ પ્લોટ ફાળવાતા નથી તેવો પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે.દીનદયાલ પોર્ટ ટ્રસ્ટે પણ દીન પ્રત્યે દયાલ બનીને આંગણવાડી, આરોગ્ય, ફિટ ઈન્ડિયા માટે જમીન ફાળવવી જોઈએ. ધનપતિના બાળકો અને ગરીબ બાળકો વચ્ચે સુવિધાની ઊભી થયેલી ખાઈને કારણે ગાંધીધામનો વિકાસ રુંધાયો હોવાનું બૌદ્ધિકો જણાવે છે.નગરપાલિકા માત્ર ગટર, પાણી, રસ્તાની સારી સુવિધા આપવામાંય હાંફી જાય છે. ઠેર ઠેર થયેલાં દબાણ હટાવવા પાલિકા મજબૂત મનોબળ એકઠું કરે પછી કદાચ કાર્યવાહી કરે, પરંતુ રસ્તાના ખાડા પૂરવા, કચરો ઉપાડવો, રસ્તાની ઝાડી દૂર કરવી વગેરેમાં ક્યાં મનોબળની જરૂરત છે, તેવો સવાલ પૂછાઈ રહ્યો છે. પાલિકા સારું કામ કરશે તો લોકોનો સાથ મળશે. સિસ્ટમ કામ નથી કરતી એટલે લોકો સાથ નથી આપતા કે લોકો સાથ નથી આપતા એટલે સિસ્ટમ કામ નથી કરતી એ સવાલ સૌથી મોટો છે.માત્ર ફેક્ટરી કે રસ્તા ઉપર જ મારું ગાંધીધામ, આપણું ગાંધીધામ ધબકતું ન રહે, પરંતુ દરેક નાગરિકનાં દિલમાં ધબકતું રહે તેવા પ્રયાસોનો તંત્રને અનુરોધ થઈ રહ્યો છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer