વ્યક્તિત્વ વિકાસ માટે પહેલ કરવા છાત્રોને હાકલ

ભુજ, તા. 14 : અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર, શાંતિકુંજ હરિદ્વાર દ્વારા ભારતીય સંસ્કૃતિની પ્રતિષ્ઠા, ગૌરવ, ગરિમા અને અસ્મિતાનું વિદ્યાર્થીઓને જ્ઞાન થાય અને તેઓનું માનસિક, બૌદ્ધિક અને વ્યવહારિક નૈતિકતાનું સ્તર ઊંચું આવે તે માટે સમગ્ર ભારતવર્ષમાં ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા કુલ ચોવીસ રાજ્યમાં અને અગિયાર ભાષામાં લેવામાં આવે છે. જે પરીક્ષામાં ધોરણ પાંચથી કોલેજના બીજા વર્ષ સુધીના વિદ્યાર્થીઓ ભાગ લેતા હોય છે. વર્ષ 2001થી કચ્છમાં શરૂઆત થયેલી પરીક્ષામાં અત્યાર સુધી 2,30,000 વિદ્યાર્થીએ ભાગ લીધો છે. પશ્ચિમ કચ્છમાં વર્ષ 2019ની પરીક્ષામાં 5263 વિદ્યાર્થી તેમજ પશ્ચિમ કચ્છની 114 શાળાએ ભાગ લીધો હતો. દરેક ધોરણમાંથી જિલ્લા કક્ષાએ પ્રથમ અને દ્વિતીય નંબર મેળવેલા વિદ્યાર્થીઓનો ઈનામ વિતરણ કાર્યક્રમ ગાયત્રી શક્તિપીઠ, ભુજ ખાતે યોજાયો હતો, જેમાં રતિલાલભાઈ સીતાપરા (મેને. ટ્રસ્ટી), ચંદ્રશેખરભાઈ વોરા, નરેન્દ્રભાઈ સોની, ઉમેદાસિંહ જાડેજા, સંગીતા જોષી (ટ્રસ્ટી), ચમનભાઈ ગોર (અધ્યક્ષ, જિલ્લા સંકલન સમિતિ), લીલાધરભાઈ ઠક્કર, રત્નાકરભાઈ ધોળકિયા તથા નેહાબેન મહેતા (ભા.સં.જ્ઞા. પરીક્ષા-ભુજ તાલુકા સંયોજક)ના હસ્તે પશ્ચિમ કચ્છ તથા ભુજ તાલુકામાં ધોરણ-પાંચથી કોલેજ બીજા વર્ષમાં પ્રથમ અને દ્વિતીય નંબર મેળવેલા વિદ્યાર્થીઓને જિલ્લા સમિતિ તરફથી શિલ્ડ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા, જેના દાતા સ્વ. અનંતરાય રણછોડલાલ ઓઝા રહ્યા હતા.ગાયત્રી પરિવારના પરિજન રત્નાકરભાઈ દ્વારા ગાંધીજીના ઉદાહરણ દ્વારા વિદ્યાર્થીઓમાં ચારિત્રિક ગુણના વિકાસ માટે આગળ આવવા અપીલ કરવામાં આવી હતી. સીતાપરાભાઈ દ્વારા બાળકોને શ્રીરામ શર્માજીના જીવનનું ઉદાહરણ આપી વ્યક્તિત્વ વિકાસ માટેની પહેલ કરવા વિદ્યાર્થીઓને સમજાવાયું હતું. ચમનભાઈએ વિદ્યાર્થીઓને જીવનમાં ભારતીય સંસ્કૃતિના મહત્ત્વ વિશે સમજણ આપી હતી.પરીક્ષામાં વધારે સંખ્યામાં વિદ્યાર્થીઓને બેસાડવા બદલ શ્રેષ્ઠ યોગદાનના સ્વરૂપમાં પ્રથમ-મા આશાપુરા સ્કૂલ, દ્વિતીય માતા આર. ડી. વરસાણી, તૃતીય જૈનાચાર્ય અજરામરજી વિદ્યાધામને સ્મૃતિચિહ્ન દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer