ફરી ધૂણશે મેચ ફિક્સિંગનું ભૂત

નવી દિલ્હી, તા. 13 : ભારતના ક્રિકેટ જગતમાં મેચ ફિક્સિંગનું ભૂત ફરી એક વખત ધૂણી શકે છે. દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચ દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન હેન્સી ક્રોનિયે સંબંધિત મેચ ફિક્સિંગના કથિત માસ્ટર માઈન્ડ સંજીવ ચાવલાને બ્રિટનથી ભારત લઈ આવી છે. દિલ્હી પોલીસના કહેવા પ્રમાણે સંજીવ ચાવલા ભારતીય ખેલાડીઓ સહિત અન્ય આંતરરાષ્ટ્રીય ક્રિકેટરો સાથે સાઠગાંઠ ધરાવતો હતો. તેવામાં આગામી સમયમાં ફિક્સિંગની બંધ ફાઈલો ખૂલતાં નવા ધડાકા થવાની પૂરી સંભાવના છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સંજીવ ચાવલા ઉપર તૈયાર દસ્તાવેજથી જાણકારી મળે છે કે તેના લંડન સ્થિત આવાસે ભારતીય ક્રિકેટરોની અવરજવર હતી. વધુમાં 2000ના જાન્યુઆરીથી માર્ચ મહિનાના કોલ ડેટા રેકોર્ડસમાં ખેલાડીઓના ફોન નંબર પણ મળી આવ્યા છે. ભારતમાં 2000ની સાલમાં રમાયેલી ભારત-દક્ષિણ આફ્રિકા ક્રિકેટ શ્રેણીની મેચ ફિક્સ થઈ હોવાનો ખુલાસો થયો હતો. દિલ્હી પોલીસના એક પૂર્વ કમિશનરના કહેવા પ્રમાણે ભારત અને દક્ષિણ આફ્રિકાની શ્રેણી બાદ ચાવલા લંડન ભાગી જતાં પૂછપરછ થઈ શકી નહોતી. બાદમાં તત્કાલીન ભારતીય ક્રિકેટરોને વૈશ્વિક સટ્ટાબાજો સાથે જોડતી સીડીઆરની પણ તપાસ થઈ નથી.દિલ્હી ક્રાઈમ બ્રાન્ચે સ્કોટલેન્ડ યાર્ડ પાસેથી પણ દસ્તાવેજો એકત્રિત કર્યા છે. સ્કોટલેન્ડ યાર્ડના અધિકારીઓએ 2001માં ઈંગ્લેન્ડના ખેલાડીઓ સંબંધિત એક સટ્ટાબાજીના મામલામાં ચાવલાની ધરપકડ કરી હતી.ઈંગ્લેન્ડના પૂર્વ ઓલરાઉન્ડર ક્રિસ લુઈસે આરોપ મૂક્યો હતો કે, ચાવલાએ ઈંગ્લેન્ડના તત્કાલીન કેપ્ટન એલેક સ્ટીવર્ટને મેચમાં ખરાબ પ્રદર્શન કરવા માટે લાંચની ઓફર કરી હતી. લુઈસના નિવેદનના આધારે પોલીસે ભારતના એક પ્રમોટર અને ચાવલાની પૂછપરછ કરી હતી. આ દરમિયાન જાણકારી મળી હતી કે, ભારત, પાકિસ્તાન, વેસ્ટ ઈન્ડિઝ અને દક્ષિણ આફ્રિકાના ઘણા ખેલાડી ચાવલાના સંપર્કમાં હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer