નાની રાયણ ગામે મૈત્રક અને ગુપ્તકાળના અવશેષો મળ્યા

નાની રાયણ ગામે મૈત્રક અને ગુપ્તકાળના અવશેષો મળ્યા
જીવરાજ ગઢવી દ્વારા કોડાય (તા. માંડવી), તા. 5 : નાની રાયણ રૂકમાવતી નદીના પટમાં વડોદરા એમ.એસ. આર્કિયોલોજીના પ્રોફેસર અને વિદ્યાર્થીઓ દ્વારા ચાલતા ઉત્ખનન સહિત સંશોધન દરમ્યાન મૈત્રક અને ગુપ્તકાળના અવશેષો મળી આવતાં પુરાતનશાત્રીઓમાં ઉત્સુક્તા જાગી છે. આ સંશોધનમાં રોચક અને બીજી સદીના અવશેષો મળી આવતાં ઈ.સ. પૂર્વેના પણ વસાહતનાં પરિણામો શોધવામાં મદદરૂપ થશે. ડો. પ્રતાપચંદ્ર અને પ્રો. અજિતપ્રસાદની રાહબરીમાં 19 જેટલા આર્કિયોલોજિસ્ટો પૌરાણિક કાળને ઉજાગર કરવા ઝીણવટપૂર્વકનું સંશોધન આદર્યું છે. એમ.એસ. યુનિ. વડોદરાના ડો. પ્રતાપચંદ્રના જણાવ્યા મુજબ પદ્ધતિસરના આ સંશોધનમાં બીજી સદીના કેટલાક અવશેષો મળવાની સાથે સંશોધનને વધુ મહત્ત્વ આપતા કેટલાક પરિબળો પણ મળી આવ્યા છે. ઉત્ખનનના ઉપરના ભાગમાં કાચી ઈંટનું બાંધકામ તેમજ તેના નીચેના થરમાં 3 મીટર સુધી ઊંડે ઉત્ખનન કરતાં માટીના ઠીકરા, શંખ, હાડકાં, કોડી વગેરે વસ્તુઓ સાથે 4.5 મીટર લાંબી ટાંકી પણ મળી આવી છે, જેનું પૂર્ણત: ઉત્ખનન બાકી છે. ત્યારબાદ જ આ ટાંકીની વિશાળતા અને તે સમયમાં તેનો ઉપયોગ જાણી શકાશે. ઉત્ખનનમાં એક રૂમ તેમજ બે દીવાલ પણ મળી આવી છે, જેનું વધુ સંશોધન ચાલુ છે. જેથી વધારે કેટલીક વસ્તુઓ અને મકાન સહિતની વસ્તુઓ મળવાની સંભાવનાઓ રહેલી છે. સાથે રંગમહલ પોટ્રી, રોમન પોટ્રી પણ મળી આવી છે. આ પુરાતત્ત્વ સંશોધનમાં મૈત્રક અને ગુપ્તકાળના પકવેલા માટીના મણકા, અર્ધકિંમતી પથ્થરાના તેમજ કાચના મણકાઓ મળી આવ્યા છે. આ પુરાતનની વસ્તુઓ પ્રાચીનકાળના માનવ વસવાટને ફલિત કરે છે. વધુ ઊંડું થર કરી તેનું સંશોધન કરવામાં આવે તો સિંધુકાળના અવશેષો પણ અહીં મળી આવે તેવી પ્રબળ સંભાવના જાણીતા તબીબ અને પુરાતનવિદ્ ડો. પુલીન વસાએ દર્શાવી હતી. ઉત્ખનનના નીચેના થરમાંથી ગુપ્તકાળ અને મૈત્રકના ઈશુની 2-3 સદીના આસપાસના અવશેષો મળ્યા છે અને ખાઈમાંથી એક ઓરડો તેમજ પકવેલી મોટી ઈંટો મળી છે તેમજ ધાતુ ગાળવાના સાધનો અને કૃષિબલ મળવાથી અહિ મોટા પ્રમાણમાં ઈંટોનો વ્યવસાય તેમજ તે સમયમાં પણ ઈંટોના મકાનોનો વ્યાપક ઉપયોગ થતો હતો તેમજ કંસાર અને ખેતીનો પણ વ્યવસાય સારા પ્રમાણમાં હોવાની સંભાવનાઓ જણાઈ રહી છે. આ નાની રાયણ નદીપટમાંથી અનેક પુરાતત્ત્વ વસ્તુઓ સમયાંતરે મળતી રહે છે જેથી જ આ સાઈટ ધોળાવીરા પછી કચ્છની બીજી હેરિટેજ સાઈટ તરીકે વિકસી શકે છે. આ ઉત્ખનનમાં પ્રો. અજિતપ્રસાદ, ગામના ઉપસરપંચ જીવરાજ ગઢવી, અગ્રણી હરિભાઈ ગઢવી, નારાણ ગઢવી, સામરાભાઈ ગઢવી, ભરત ગઢવી (એડવોકેટ) અને ગ્રામજનો સહિત સહયોગી બની રહ્યા છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer