બિનખેતીની ફાઈલોમાં લેવાતો અદ્ધર `ભાવ'' પણ હવે અદ્ધર થશે ?

બિનખેતીની ફાઈલોમાં લેવાતો અદ્ધર `ભાવ'' પણ હવે અદ્ધર થશે ?
ગિરીશ જોશી દ્વારા-
ભુજ, તા. 28 : 2001ના ધરતીકંપ બાદ કચ્છનો જેટ ગતિની જેમ વિકાસ થઈ રહ્યો છે, ત્યારે આ વિકાસની ગાડીને આગળ ધપાવવા સૌથી મોટી ભૂમિકા `રીઅલ એસ્ટેટ'ની રહી. ઔદ્યોગિકીકરણના પગલે મહત્ત્વની જમીનોની માંગ વધતાં ખેતીની જમીનો બીનખેતી કરાવવાની કામગીરી બે દાયકા થયા બંધ થવાનું નામ નથી લેતી, હજારો એકર જમીનો એન-એ થાય છે, તેમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરાઈ રહ્યો હોવાનો આક્ષેપ છે. ખુદ સરકારને પણ આ કારોબારની ગેરરીતિની ગંધ આવતાં એક પારદર્શી વ્યવસ્થા બનાવવાનો પ્રયાસ કર્યો છે, પણ `પ્રસાદી' વિના કોઈ કામ થતાં નથી એ હકીકત પણ સ્વયં સ્પષ્ટ છે જ છે! અગાઉ બિનખેતીની પ્રક્રિયા શહેરી અને ગ્રામ્ય એમ બે વિભાગમાં વહેંચાયેલી હતી. ગ્રામ્ય વિસ્તારના એન-એ-ના હુકમ તાલુકા પંચાયતથી માંડી જિલ્લા પંચાયતકક્ષાએ થતા હતા, જ્યારે શહેરી વિસ્તાર માટેની આ પ્રક્રિયા કલેક્ટર કચેરીમાંથી થતી હતી. ભૂતકાળમાં જિલ્લા પંચાયત સામે એન-એની ફાઈલો મંજૂર કરવા પાછળ મોટું કૌભાંડ આચરાતું હોવાના આક્ષેપ ઉઠી ચૂક્યા છે. જિ.પં.માં કારોબારી સમિતિના ચેરમેન થવા એટલે જ તો હોડ લાગતી હતી. આ તમામ ફરિયાદોને પગલે સરકારે બીનખેતીની કામગીરી માત્ર કલેક્ટર કચેરીને સંભાળવાનો હુકમ કર્યો હતો. કચ્છમાં રીઅલ એસ્ટેટના વ્યવસાય સાથે સંકળાયેલાં સૂત્રોએ જણાવ્યું હતું કે, હવે શહેરોમાં ખેતીવાડીની જમીનો બીનખેતીમાં ફેરવાતી નથી, પરંતુ ગામડાઓમાં પણ મોટાપાયે બાંધકામ પ્રવૃત્તિ વિકસી છે. આજથી 20 વરસ પહેલાં કોઈ મોટાં ગામમાં માંડ કોઈ ઠામ બીનખેતી થયાં હશે, પરંતુ હવે તો રોજે-રોજ આવી ફાઈલો આવતી જાય છે. સૂત્રો કહે છે કે, સરકાર ભલે ઓનલાઈન કામગીરી કરી નાખી છે, પરંતુ `પ્રસાદી' આપ્યા વગર સ્થાનિકે કામ થતું નથી અને કામ પાર પાડનારા પણ મહેસૂલના જ કર્મચારીઓ `એજન્ટ' છે, જે વારંવાર એકની એક ટેબલે ગોઠવાય છે તેવા ગંભીર આક્ષેપ ઉઠી ચૂક્યા છે. ઓનલાઈન અરજી અપલોડ કર્યા પછી રૂબરૂમાં તો અરજીની ફાઈલ કલેક્ટર કચેરીમાં આપવી પડે છે તેવું સૂત્રોએ જણાવ્યું હતું અને બીનખેતીની કામગીરી કરાવવાના નિષ્ણાતોને પણ માલિકો કામ સોંપતા હોય છે અને ફાઈલ ક્લીયર કરાવી આપવાના એમના ખુદના પણ ભાવ હોય છે. તેમાંય આખે આખી ચેનલને `પ્રસાદી' આપવી પડશે તેવો આરોપ મૂકવામાં આવ્યો હતો. ભ્રષ્ટાચાર કેવી રીતે આચરવામા આવે છે એ સવાલ સામે સૂત્રોએ પ્રકાશ પાડતાં જણાવ્યું કે, અધુરાશના નામે અપીલ કરવામાં આવે, અપીલના કેસ લડતા મહેસૂલના અમુક વકીલોનો કચ્છમિત્રએ સંપર્ક સાધતાં તેઓ આ વાતમાં સૂર પુરાવતાં કહે છે કે, ગેરરીતિ થાય છે એ વાત સાચી છે. આ પ્રકારની માનસિકતાથી ખુદ વકીલો પણ કંટાળી ગયા અને થોડા સમય પહેલાં આ મુદ્દે સૌએ એક થઈ એક હોટલમાં મીટિંગ કરીને ભ્રષ્ટાચારને રોકવા શું કરવું તેની ચર્ચા હાથ ધરી હતી તેવું પણ જાણવા મળે છે. આ બેઠકે `એજન્ટ' બનેલા અમુક વકીલોમાં અસંતોષ પણ જગાવ્યો છે. બાદમાં આ અંગેની વાત એક ઉચ્ચ અધિકારીના કાને પડી ત્યારે મામલો દબાવી દેવામાં આવ્યો હતો. કારણ કે, જેટલી બીનખેતીની જમીન હોય તેના એકર પ્રમાણે ભાવ આપવા પડતા હોવાનું જાણવા મળ્યું હતું. 


 
ખોટુ થતું હોયતો અરજદાર તેમને ફરિયાદ કરી શકે છે
એન.એ. પ્રક્રિયામાં ભ્રષ્ટાચારની બૂમ વધી જતાં રાજ્ય સરકારે હવે સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન કરી નાખી છે. ખરેખર ગેરરીતિ થાય છે કે નહીં એ જાણવા `કચ્છમિત્ર'એ કચ્છમાં નવા આવેલા કલેક્ટર પ્રવિણા ડી. કે. સાથે વાત કરી હતી. તેમણે હવેની આવી પ્રક્રિયા કેવી રીતે પાર પડે છે તેની માહિતી આપીને કહ્યું કે, પી.એસ.ઓ.ના નામથી આ કામગીરી રાજ્ય સરકારમાં ઓળખાય છે અને રાજ્યના તમામ 33 જિલ્લામાં એક જ પ્રકારની પ્રક્રિયા અમલમાં છે. એન.એ.ની અરજી ઓનલાઈન અરજદારે કરવી પડે છે. રાજ્યકક્ષાએ પી.એસ.ઓ. એટલે કે પાંચ ઉચ્ચ અધિકારીઓની પેનલ છે તેમની સમક્ષ અરજી પહોંચે છે. આ એક એવી પારદર્શક વ્યવસ્થા છે કે, પી.એસ.ઓ. પાસે પહોંચેલી અરજીમાં ક્યાંય અરજદારનું નામ ન જાય,માત્ર સર્વે નંબર પ્રમાણે જરૂરી આધારો સાથેની અરજીની ચકાસણી કર્યા પછી ઓનલાઈન વ્યવસ્થામાં જ ત્રણ તબક્કા પ્રમાણે માકર્સ આપીને અપલોડ કરી દેવામાં આવે છે, પછી જેતે જિલ્લાના કલેક્ટર પાસે જાય છે. લીલા રંગના નિશાન સાથે જો ચકાસણી કરીને અપલોડ કરાય તો કલેક્ટર કચેરીએ અરજદારને માત્ર 10 દિવસમાં મંજૂરી આપવાની હોય છે, જેમાં લાગુ પડતા તમામ વિભાગોના અભિપ્રાય પણ કલેક્ટર કચેરી એ જ મંગાવવાના હોય છે. પીળા રંગ માટે 45 દિવસ મુકરર કરવામાં આવ્યા છે, જ્યારે લાલ રંગ આવે તો 90 દિવસથી વધુ સમય લાગતો હોય છે તેવું કલેક્ટરે જણાવ્યું હતું. લાલ રંગવાળી અરજીમાં જો ઘણી બધી અધુરાશ હોય તો અરજી દફતરે પણ કરવામાં આવે છે, એમ જણાવાયું હતું, પણ આ દફતરે થતા કિસ્સામાં જ ભ્રષ્ટાચાર આચરાતો હોવાની ફરિયાદ છે એ સવાલ સામે તેમણે કહ્યું કે, જો આવું કંઈ થાય તો અરજદાર સીધો મારો સંપર્ક સાધી શકે છે. ગેરરીતિ કરનારા સામે કડક પગલાં લેવામાં આવશે.  વિશેષમાં તેમણે કહ્યું કે, પોતે હજુ હમણાં જ આવ્યાં છે, છતાં માત્ર પાંચ જ દિવસમાં 100 બીનખેતીની ફાઈલોની મંજૂરીઓ આપી દેવામાં આવી છે, ક્યાંય કોઈ અધુરાશ હોય તો અરજદાર પાસેથી સામેથી પૂર્તતા કરાવવામાં આવે છે એવી સરળ વ્યવસ્થા ગોઠવી હોવાનું ઉમેર્યું હતું.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer