સાંઘીપુરમમાં મિનિ ટેમ્પો ઊથલતાં એક મોત, 15 ઘવાયા

સાંઘીપુરમમાં મિનિ ટેમ્પો ઊથલતાં એક મોત, 15 ઘવાયા
નલિયા (અબડાસા), તા. 28 (પ્રતિનિધિ દ્વારા) : તાલુકામાં સાંઘીપુરમ ખાતે આજે સવારે સિમેન્ટ એકમના શ્રમજીવીઓને લઇને જતો મિનિ ટેમ્પો પલટી ખાઇ જતાં છોટુલાલાસિંહ રામધનાસિંહનું મૃત્યુ થયું હતું, જ્યારે અન્ય 15 શ્રમિક ઘવાયા હતા. બાર ઘાયલને વધુ સારવાર માટે ભુજ ખસેડાયા છે. બહાર આવેલી વિગતો અનુસાર સાંઘીપુરમ ખાતે સાંઘી સિમેન્ટ એકમમાં કામ કરતા મૂળ પરપ્રાંતીય એવા શ્રમજીવીઓને આજે મજૂર વસાહત અને અન્ય સ્થળેથી છોટા હાથી તરીકે ઓળખાતા મિનિ ટેમ્પોમાં તેમના કામના સ્થળ જેટી ખાતે લઇ જવાતા હતા ત્યારે વાલાણીવાંઢ વિસ્તારમાં સ્પીડ બ્રેકર ઉપર મિનિ ટેમ્પો આજે સવારે પલટી ખાઇ જતાં આ જીવલેણ અકસ્માત સર્જાયો હતો. પોલીસ સાધનોએ આપેલી માહિતી મુજબ ઊથલી પડેલા મિનિ ટેમ્પોમાં સવાર છોટુલાલાસિંહ રામધનાસિંહ નામના શ્રમિકને માથામાં અત્યંત ગંભીર પ્રકારની ઇજાઓ થઇ હતી. સારવાર મળે તે પહેલાં જ આ હતભાગીનો જીવનદીપ બુઝાઇ ગયો હતો. જ્યારે અકસ્માતગ્રસ્ત વાહનમાં સવાર મહેન્દ્રકુમાર કામેશ્વર (ઉ.વ. 23), રમેશ શિવસાગર યાદવ (ઉ.વ. 58), અખિલેશ દિલીપ યાદવ (ઉ.વ. 19), સંજય સૂરજ મહંતો (ઉ.વ. 40), ઉમેશ સાગર યાદવ (ઉ.વ. 32), એસ.ડી. ઇરદ્રાન ગ્યાઉદ્દીન આલર (ઉ.વ. 24), રોહિત ગુલાબ ખારવાર (ઉ.વ. 24), હરપાલ સુલુકાસિંહ (ઉ.વ. 39), બલવીંદરાસિંગ મુલુકાસિંહ (ઉ.વ. 40), રાજેન્દ્રાસિંહ થુરૂપાસિંહ (ઉ.વ. 28), ગુરુદેવાસિંહ દલબાગાસિંહ (ઉ.વ. 35) અને હરપાલાસિંહ (ઉ.વ. 72) સહિત 15 જણ જખ્મી થયા હતા. બાર ઇજાગ્રસ્તને વધુ સારવાર માટે ભુજની જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યારે અન્ય ત્રણ જણને સ્થાનિકે સારવાર અપાઇ હતી. અકસ્માત બાબતે અમરજિત ગોપાલ વર્માએ પોલીસ ફરિયાદ લખાવી હતી. ઇજાગ્રસ્તોને સિમેન્ટ એકમના ઇજનેર દ્વારા ભુજની હોસ્પિટલમાં ખસેડાયા હતા. વાયોર પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer