સીએએનો કાયદો નાગરિકતા આપવાનો છે, લેવાનો નથી : ભુજમાં વિશાળ સમર્થન રેલી

સીએએનો કાયદો નાગરિકતા આપવાનો છે, લેવાનો નથી : ભુજમાં વિશાળ સમર્થન રેલી
ભુજ, તા. 28 : ગુજરાતના સપૂત અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જમ્મુ-કાશ્મીરમાંથી 370 કલમ અને 35-એની નાબૂદી સાથે સીએએ નાગરિકતા સુધારા એકટ સંસદના બન્ને ગૃહોમાં પસાર કરાવી સરદાર પટેલના સ્વપ્નને સાકાર કર્યું છે તેવું કચ્છના પ્રભારી મંત્રી દિલીપકુમાર ઠાકોરે જણાવ્યું હતું. આજે ભુજ ખાતે કચ્છ જિલ્લા નાગરિક સમિતિના નેજા હેઠળ રાષ્ટ્રહિત કાજે યોજાયેલી જન સમર્થન રેલી પૂર્વે હોટલ વિરામ ખાતે મળેલી જંગી સભામાં હજારોની સંખ્યામાં ઉપસ્થિતોને સીએએ કાયદાથી વાકેફ કરતા શ્રી ઠાકોરે જમ્મુ-કાશ્મીરમાંથી પંડિતોની હિજરત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગલાદેશમાં ઘટતી જતી આપણી વસ્તી વિ. મુદ્દે ઉપસ્થિતોને માહિતગાર કરી ઉમેર્યું કે, સર્વે સમાજને સાથે રાખી, વિકાસના પંથે ચાલનારી સરકાર છે ત્યારે લોકોએ જાગૃત બની સરકારને સાથ આપવા અપીલ કરી હતી.રાજ્યમંત્રી વાસણભાઇ આહીરે જણાવ્યું કે, કાયદો આજે પાસ નથી થયો પણ ભૂતકાળમાં કોંગ્રેસના શાસનમાં જ થયો હતો જેનો અમલ હાલમાં થયો છે. અહીંના લોકોના પાકિસ્તાનમાં વસતા પરિજનોને સામાજિક મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. સીએએના કાયદાથી ભારતના 130 કરોડ લોકોને કોઇ જ મુશ્કેલી નહીં પડે તેમ જણાવી સરકાર વતી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તથા ગૃહમંત્રી અમિતભાઇ શાહનો આભાર વ્યકત કર્યો હતો. મંચસ્થ પૂર્વ ગૃહમંત્રી ગોરધનભાઇ ઝડફિયાએ જણાવ્યું કે, જે રાષ્ટ્ર, દેશ, સમાજ, લોકો ઇતિહાસને ભૂલે છે તેનું નષ્ટ પામવું નક્કી છે. સીએએનો કાયદો નાગરિકતા આપવાનો છે, લેવાનો નથી. આતંકવાદને ઓળખવો હશે તો આજની યુવા પેઢીએ ઇતિહાસના પન્ના ઊથલાવવા પડશે. શ્રી ઝડફિયાએ વધુમાં ઉમેર્યું કે, હિન્દુસ્તાન એક માત્ર એવો દેશ છે જે ઓમ સર્વે ભવન્તુ સુખિન:માં માને છે. દેશની કોમીએકતા પર પ્રકાશ પાડી વિપક્ષને આડે હાથ લેતાં જણાવ્યું કે, હિન્દુ-મુસ્લિમ એક કૂવામાંથી પાણી પીએ છે રાજકીય લાભ ખાટવા ભાગલા પડાવવાની નીતિથી દૂર રહેવા તાકીદ કરી હતી.  મંચસ્થો સાંસદ વિનોદભાઇ ચાવડા, ધારાસભ્ય નીમાબેન આચાર્ય, વીરેન્દ્રાસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, નગરઅધ્યક્ષા લતાબેન સોલંકી, દિલીપભાઇ ત્રિવેદી, માજી ધારાસભ્ય પંકજભાઇ મહેતા, ત્રિકમભાઇ આહીર, શૈલેન્દ્રાસિંહ જાડેજા, અંજાર સચ્ચિદાનંદ મંદિરના ત્રિકમદાસજી મહારાજ, અક્ષરપ્રકાશદાસજી સ્વામી, શાસ્ત્રી કોઠારી દેવપ્રકાશ સ્વામી, કે.પી. સ્વામી, સૂર્યપ્રકાશ સ્વામી,  એકલ મંદિરના મહંત દેવનાથ બાપુ, મહંત કિશોરદાસજી, સોનલ લાલજી, દિલીપગિરિજી, ભગવતગિરિજી, જિલ્લા રાજપૂત ક્ષત્રિય સમાજના પૂર્વ પ્રમુખ જોરૂભા રાઠોડ, સાવજાસિંહ જાડેજા, જૈન સમાજના આગેવાન ભરતભાઇ મહેતા, રબારી સમાજના થાવરભાઇ, ગાગુભાઇ, લેવા પટેલ સમાજના અગ્રણી અરજણભાઇ પિંડોરિયા, ચેમ્બર ઓફ કોમર્સના રાજેશભાઇ ભટ્ટ, મહેશ્વરી સમાજના અગ્રણી કાનજીભાઇ મહેશ્વરી,  પાકિસ્તાનથી આવેલા રામસંગજી સોઢા, ગઢવી સમાજના અગ્રણી પુષ્પદાનભાઇ ગઢવી, આર.એસ.એસ.ના વિભાગીય સંચાલક નવીનભાઇ વ્યાસ ઉપરાંત બાર એસો., એન્જિનીયર એસો., સી.એ. એસો., આઇ.એમ.એ., આર.એસ.એસ., એબીવીપી, લાયન્સ ક્લબ, મુસ્લિમ સમાજ, ચેમ્બર ઓફ કોમર્સ, શહેરના તબીબો સહિત તમામ સમાજના અગ્રણીઓ સીએએ કાયદાના સમર્થનમાં જોડાયા હતા.  જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઇ પટેલે શાબ્દિક સ્વાગત કરી રાજકીય લાભ મેળવવા સાચી વાતને ખોટી ઠેરવી રહ્યા છે ત્યારે આ મુદ્દે લોકો જાગૃત બને તે જરૂરી હોવાનું કહી રાષ્ટ્રહિતની આ વાતને ઘર-ઘર સુધી પહોંચાડવા અપીલ કરી હતી. સભા બાદ વિરામ હોટલથી વિશાળ રેલી યોજાઇ હતી. જે જ્યુબિલી સર્કલ થઇ બસ સ્ટેશનથી સ્વામીનારાયણ મંદિર માર્ગેથી ટાઉન હોલ પહોંચી હતી જ્યાં વિરામ અપાયો હતો. 225  મીટર લાંબા તિરંગા સાથે નગરસેવક અશોક હાથી, અજય ગઢવી, રાહુલ ગોર, અશોક પટેલ, ભૌમિક વચ્છરાજાની, જિગર છેડા, હર્ષદ ઠક્કર, હિતેશ ખંડોલ, ઘનશ્યામ ઠક્કર, સાત્વિકદાન ગઢવી વિ. મોટી સંખ્યામાં લોકો જોડાઇ સીએએ કાયદાને સમર્થન આપ્યું હતું. સંચાલન અનિરુદ્ધભાઇ દવેએ કર્યું હતું. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer