ગળપાદરમાં તૈયાર પેટા આરોગ્ય કેન્દ્રનું લોકો જ ઉદ્ઘાટન કરશે

ગળપાદરમાં તૈયાર પેટા આરોગ્ય કેન્દ્રનું લોકો જ ઉદ્ઘાટન કરશે
ગાંધીધામ, તા. 28 : તાલુકાના ગળપાદરમાં છેલ્લા કેટલાક સમયથી પેટા આરોગ્ય કેન્દ્ર બની ગયું છે. પરંતુ તેના મુહૂર્તની રાહ જોવાતી હોય તેમ તેનું ઉદ્ઘાટન કરાતું નથી. જો ટૂંક સમયમાં આ કેન્દ્ર શરૂ નહીં કરાય તો લોકો તેનું ઉદ્ઘાટન કરી નાખશે તેવી ચીમકી અપાઇ હતી. ગળપાદરમાં આરોગ્ય વિભાગ દ્વારા પેટા આરોગ્ય કેન્દ્ર બનાવી નાખવામાં આવ્યું છે. છેલ્લા છએક મહિનાથી તૈયાર થઇ ગયેલા આ કેન્દ્રનો પ્રારંભ કરાતો નથી. આ કેન્દ્રના પ્રારંભ માટે કોની રાહ જોવાઇ રહી છે ? આ કામ માટે ચોઘડિયા કે મુહૂર્તનો સમય નક્કી કરવામાં આવી રહ્યો છે તેવા પ્રશ્નો લોકો પૂછી રહ્યા છે. ગળપાદર ગામમાં જિલ્લા કલેક્ટરનો રાત્રિ રોકાણ કાર્યક્રમ હતો ત્યારે પણ લોકોએ રજૂઆત કરી હતી અને જિલ્લા સમાહર્તાએ આરોગ્ય વિભાગને પૂછતાં જે-તે સમયે 10 દિવસમાં શરૂ કરી દેવાની જાહેરમાં બાંહેધરી આપવામાં આવી હતી. આ વાતને પણ એક મહિનો ઉપરનો સમય થઇ ગયો છે છતાં શા માટે આ કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવતું નથી તે પ્રશ્ન નિરુત્તર છે. આ અંગે આરોગ્ય અધિકારી  ડો. દિનેશ સુતરિયાનો સંપર્ક કરતાં તેમણે કહ્યું હતું કે, આ ઇમારત પી.આઇ.યુ. વિભાગે તૈયાર કરી છે અને હજુ હેન્ડ ઓવર નથી કરી તેમજ આ ઇમારતમાં અંદર લાઇટનું કામ, ગટર, પાણીની લાઇનનું કામ બાકી હોવાનું તેમણે કહ્યું હતું. દરમ્યાન આગામી 15 દિવસમાં આ કેન્દ્રને ખુલ્લું નહીં મુકાય તો ગામલોકો  તેનું મુહૂર્ત કરી ઉદ્ઘાટન કરી નાખશે તેવી ચીમકી લેબર ગ્રુપ ઓફ કચ્છના દશરથસિંહ ખંગારોતે આપી હતી.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer