સારો વરસાદ, વધુ ઠંડીથી ઘઉંનું ઉત્પાદન વધશે

સારો વરસાદ, વધુ ઠંડીથી ઘઉંનું ઉત્પાદન વધશે
રમેશ ગઢવી દ્વારા-
કાઠડા (તા. માંડવી), તા. 28 : ચાલુ વર્ષે સારો વરસાદ અને ઠંડીનું પ્રમાણ વધુ રહેતાં કચ્છમાં રવી પાક ઘઉં અને રાયડાનું ઉત્પાદન વધવાના એંધાણ ખેડૂતો પાસેથી મળી રહ્યા છે.સારા વરસાદથી જિલ્લાના નાના-મોટા ડેમો, તળાવો ભરાઈ જતાં હાલમાં હજારો હેક્ટર કપિત જમીનમાં પણ ઘઉંનું વાવેતર વધ્યું છે. બીજીતરફ માંડવીની કાંઠાળપટ્ટીમાં જો સારો વરસાદ થાય તો અહીં ઘઉં પૂરબહારમાં ખીલે અને પંજાબ વિસ્તારમાં થતા ઘઉંના દૃશ્યો કચ્છની માંડવી કાંઠાળપટ્ટીમાં પણ જોવા મળે છે. પદમપુર, ડોણ, રાજડા સહિતના મુખ્ય ડમો ભરાઈ જતાં હાલમાં હજારો હેક્ટરમાં ઘઉંનો પાક ખીલ્યો છે. આ વિસ્તારના ટુકડી (496) ઘઉં વખણાય છે. જે ખાવામાં પણ મીઠાશ સાથે રોટલી સફેદ રંગની બનતાં તેની વધારે માંગ રહે છે. તે ઉપરાંત લોકવન, 2189 વગેરે બીજનું ખૂબ જ વાવેતર થાય છે. તાલુકા કિસાન સંઘ પ્રમુખ પરસોત્તમભાઈ પોકારે જણાવ્યું કે, સારો વરસાદ, વધુ ઠંડી સાથે ઘઉંનું ઉત્પાદન તો સારું જ રહેશે, પરંતુ ખેડૂતોને પૂરતા ભાવ મળે તે માટે સરકાર ટેકાના ઊંચા ભાવે ખરીદી કરે તો પોષણક્ષમ ભાવ મળી રહે. એ.પી.એમ.સી. માંડવીના ચેરમેન પ્રવીણભાઈ વેલાણીએ જણાવ્યું કે, એ.પી.એમ.સી. એ ખેડૂતોના હિત માટેની મધ્યસ્થ સંસ્થા છે. રાજડા ડેમની કેનાલ મરંમત અને પાણી માટે 400થી વધુ ખેડૂતોની અરજી આવતાં સરકાર તથા ધરાસભ્ય પાસે માગણી કરતાં તુરંત ગ્રાન્ટની ફાળવણી કરી દેવાઈ અને કામ શરૂ કરી દેવાતાં રાજડા ડેમનું પાણી 20 કિ.મી. દૂર ડોણ, ગોધરા, દુર્ગાપુર, ભારાપર, મેરાઉ, નાના-મોટા લાયજા, શિરવા, મેરાઉ અને કાઠડા સહિતના ગામો સુધી પહોંચ્યું છે. તેમાંથી 800 હેક્ટર જેટલી જમીનમાં ઘઉંનું વાવેતર થયું છે. જેના માટે માગણી કરવા રાજેન્દ્રસિંહ જાડેજા, દેવાંગભાઈ સાખરા સહિતના અગ્રણીઓ પણ સહયોગી રહ્યા હોવાનું કહ્યું હતું. ઘઉંના ટેકાના ભાવ નક્કી થશે અને સરકાર કેન્દ્રો નક્કી કરશે તે માટે માંડવીમાં પણ ખરીદી કરાય તેવી માગણી આપણે જરૂર કરશું. એ.પી.એમ.સી. મંત્રી પરેશભાઈ ચોપડાનો સંપર્ક કરી કપાસની ટેકાના ભાવે ખરીદી અંગે પૂછતાં જણાવ્યું કે, સંસ્થાએ માંડવીમાં માલની ચકાસણી કરી હતી અને કપાસની ગુણવત્તા પણ સારી લાગી હતી, પરંતુ ઠંડી શરૂ થતાં કપાસમાં જંતુ વધુ લાગતાં તેઓએ માંડવીમાં ખરીદી નકારી હતી. ઘઉંની ટેકાના ભાવે ખરીદી અંગે પૂછતાં જણાવ્યું કે, જાન્યુઆરીના અંતિમ તબક્કામાં કે ફેબ્રુઆરી માસના પ્રારંભે ઘઉંના ટેકાના ભાવ જાહેર થતા હોય છે.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer