ધોળાવીરા-લખપતના પ્રવાસન પ્રકલ્પ વેળાસર પૂર્ણ કરવા તાકીદ

ધોળાવીરા-લખપતના પ્રવાસન પ્રકલ્પ વેળાસર પૂર્ણ કરવા તાકીદ
ભુજ, તા. 28 : રણોત્સવ બાદ વિકાસની હરણફાળ ભરતા કચ્છમાં આયોજન વિભાગની વિશેષ ગ્રાન્ટમાંથી પ્રવાસનધામોને વિકસાવવાની કવાયતના એક ભાગ સ્વરૂપ ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા લખપત અને ધોળાવીરામાં ટૂરિસ્ટ સર્કિટ તૈયાર કરવા સહિતના પ્રવાસનલક્ષી વિકાસ પ્રોજેકટ હાથ પર લેવાયા છે. જેની તાજેતરમાં સર્વગ્રાહી સમીક્ષા કરાઈ હતી. ખાસ કરીને આ બન્ને સ્થળોમાં નિર્માણાધીન પ્રોજેકટ તેની નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ થાય તે જોવા તાકીદ કરાઈ હતી. જિલ્લા આયોજન અધિકારીના વડપણ હેઠળ સ્થાનિક અધિકારીઓએ તાજેતરમાં બન્ને સ્થળની મુલાકાત લઈ પ્રવાસન વિકાસના ચાલી રહેલા કાર્યોની જાતમુલાકાત લઈ તેની વર્તમાન પ્રગતિનો ચિતાર મેળવ્યો હતો. આયોજન અધિકારી શ્રી રાઓલે વિગત આપતાં કહ્યું કે, ધોળાવીરા અને લખપતમાં પ્રવાસન સર્કિટ તૈયાર થવાની છે. આ ઉપરાંત અહીંના ઐતિહાસિક સ્થાપત્યોના રિટ્રોફિટિંગ સાથે અહીં આવતા પ્રવાસીઓને જરૂરી માહિતી માર્ગદર્શન મળી રહે તે માટે પ્રવાસન માહિતી કેન્દ્રનું નિર્માણ કરવામાં આવનાર છે. આ માટે વિશેષ ગ્રાન્ટની ફાળવણી કરી દેવામાં આવી છે. હાલ આ કામો કયા તબક્કે પહોંચ્યા તેની સમીક્ષા આ મુલાકાત સમયે કરવામાં આવી હતી. સૂચિત કાર્યો બનતી ત્વરાએ પૂર્ણ થાય તે જોવાની તાકીદ કરવા સાથે સમીક્ષા દરમિયાન જે કંઈ ત્રુટિઓ દેખાઈ તે નિવારવા માટે જરૂરી સૂચના પણ આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ધોળાવીરા અને લખપત ઉપરાંત અંજારના જેસલ તોરલ, થાન જાગીર સહિતના સ્થળોમાં પણ વિકાસ પ્રકલ્પ હાથ ધરાયા હતા. તો અન્ય 6 જેટલા પ્રવાસનસ્થળોને વિકસાવવાની દરખાસ્ત પણ સરકારમાં કરવામાં આવી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer