અબડાસાની સરકારી શાળામાં બે ભાષામાં શિક્ષણ અપાય છે

અબડાસાની સરકારી શાળામાં બે ભાષામાં શિક્ષણ અપાય છે
મનોજ સોની દ્વારા-
કોઠારા, તા. 28 : અહીંના મોમાયા ફાર્મ પર આવેલી પ્રાથમિક શાળામાં બાળકોને પ્રથમ હિન્દી અને ત્યારબાદ ગુજરાતીમાં શિક્ષણ છેલ્લા 25 વર્ષથી અપાય છે. કોઠારાથી 10 કિ.મી.ના અંતરે કોઠારા-ભુજ માર્ગ પર આ શાળા આવેલી છે. આ અંગે જ્યારે શાળાની કચ્છમિત્રે મુલાકાત લેતાં જાણવા મળેલું કે, અહીં ધો. 1થી 8 સુધીના વર્ગખંડ આવેલા છે. અને 33 જેટલા વિદ્યાર્થી છે. અને તેમાં 15 જેટલા ઉત્તર ગુજરાત, છોટા ઉદેપુર તો બાકીના હરીયાણા, રાજસ્થાન, પંજાબ તરફના બાળકો અભ્યાસ કરે છે. અહીં જે બાળકો પ્રવેશ મેળવે છે તે મોટા ભાગના બિન ગુજરાતી હોય છે. અને તેમને  ગુજરાતી ભાષા આવડતી  નથી માટે હિન્દી ભાષાનો ઉપયોગ કરાય છે. બે ભાષાના કારણે મહેનત વધી જતી હશે તેવું શિક્ષકોને પૂછતાં તેમણે જણાવ્યું કે, બાળકો શિક્ષિત બને એ જ એમનો ધ્યેય છે. જેથી ગુજરાતીના વિષયને પણ હિન્દીમાં લઇ એ જ વિષય પાછો ગુજરાતીમાં પણ લેવાય છે. આ શાળાની શરૂઆત 1983માં થઇ પ્રારંભે આજુ બાજુ વિસ્તારનાં બાળકો આવતા પણ છેલ્લા 25 વર્ષથી અહીં હિન્દીભાષી પરિવારો જે વાડી-વિસ્તારમાં અહીં રહેવા આવતા તેઓ આ શાળામાં બાળકોને અભ્યાસ માટે મૂકે છે. આ અંગે શિક્ષક ભરતસિંહ ધલે વધુમાં જણાવેલું કે, અહીંના વિદ્યાર્થી મોટા ભાગે શીખ, ચોધરી જેવી જ્ઞાતિના છે જે અહીંથી બે કિ.મી.ના અંતરે આવેલી રામ-નગરી વસાહતમાં રહે છે અત્રે ઉલ્લેખનીય છે કે, અહીં અભ્યાસ કરી ચૂકેલા 20 જેટલા વિદ્યાર્થીઓ આર્મીમાં સેવા બજાવે છે. તો કબડ્ડીમાં રાજ્ય સ્તરે પણ પસંદગી પામી ચૂકયા છે. આચાર્ય શ્રી નિનામાએ શિક્ષક તરીકેની શરૂઆત અહીંથી કરી છે. તો છેલ્લા આઠ વર્ષથી અભ્યાસ કરાવતા નીલમબેન પરમાર વિદ્યાર્થીઓ માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. શિક્ષક જયદેવ લીંબાણી પણ બાળકો સાથે હળીમળી રહે છે. અહીં બાળકો માટે પાણીની સમસ્યા છે. પાણીનો બોર ખરાબ થતાં હાલમાં બાળકો શાળામાં વરસાદના પાણીનો સંગ્રહ કરી તે પાણી પી રહ્યા છે. આ માટે અહીં કોઇ સંસ્થા કે, દાતા આગળ આવે તો બાળકોને ચોખ્ખું પાણી મળી શકે.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer