સાચા લાભાર્થીઓ સુધી આરોગ્ય સેવાનો લાભ પહોંચે તે સુનિશ્ચિત કરો

સાચા લાભાર્થીઓ સુધી આરોગ્ય સેવાનો લાભ પહોંચે તે સુનિશ્ચિત કરો
પાટણ, તા. 28 : પાટણના નવા સર્કિટ હાઉસ ખાતે જિલ્લાના પ્રભારી મંત્રી વાસણભાઈ આહીરના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રીક્ટ હેલ્થ મિશનની બેઠક યોજાઈ હતી. જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા નાગરિકોને પૂરી પાડવામાં આવતી આરોગ્યલક્ષી સેવાઓ અને યોજનાઓની સમીક્ષા કરતાં પ્રભારી મંત્રીએ સમયસર આરોગ્યલક્ષી સેવાઓ મળી રહે તે માટે અધિકારીઓને અપીલ કરી હતી. ડિસ્ટ્રીક્ટ હેલ્થ મિશનની બેઠકમાં ડિસેમ્બર 2019 સુધી જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરી અંગે સમીક્ષા કરવામાં આવી હતી.જનની સુરક્ષા યોજના, રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ તથા ગુજરાત સરકાર અમલીકૃત કસ્તૂરબા પોષણ સહાય યોજના, ચિરંજીવી યોજના, બાલસખા યોજના, મુખ્યમંત્રી અમૃતમ અને મા વાત્સલ્ય યોજના અંતર્ગત જિલ્લામાં લક્ષ્યાંકો અને સફળ કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. પોલિયો રસીકરણ, મેલેરિયા તથા ડેંગ્યુના રોગો થતા અને ફેલાતા અટકાવવા દવાના છંટકાવ અને દવાયુક્ત મચ્છરદાનીના વિતરણ સહિતની કામગીરીની વિગતો રજૂ કરવામાં આવી હતી. રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ, રિવાઈઝ્ડ નેશનલ ટી.બી. કંટ્રોલ પ્રોગ્રામ, નેશનલ એઈડ્સ કંટ્રોલ પ્રોગ્રામ તથા રાષ્ટ્રીય અંધત્વ નિયંત્રણ કાર્યક્રમ હેઠળની કામગીરીના અહેવાલ રજૂ કરાયા હતા.  પાટણ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સંકલિત બાળ વિકાસ યોજના વિભાગના સંકલનમાં પાંચ વર્ષ સુધીના બાળકો, આંગણવાડીના બાળકો અને શાળાએ ન જતી કિશોરીઓ એનેમિયા મુક્ત બને અને કુપોષણથી મુક્તિ મળે તે માટે શરૂ કરવામાં આવેલા સ્પંદન પ્રોજેક્ટ અંતર્ગત કરવામાં આવતી કામગીરીની વિગતો રજૂ કરવામાં આવી હતી. પ્રભારી મંત્રીએ પ્રોજેક્ટ અને તેની સફળતાની વિગતો અંગે ચર્ચા કરી આરોગ્ય તંત્રની પહેલની સરાહના કરી હતી. જિલ્લા કલેક્ટર આનંદ પટેલ તથા જિલ્લા વિકાસ અધિકારી  ડી.કે. પારેખની ઉપસ્થિતિમાં યોજાયેલ ડિસ્ટ્રીક્ટ હેલ્થ મિશનની બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એ.એસ. સાલ્વીએ ગત બેઠકમાં પ્રભારી મંત્રી  દ્વારા આરોગ્યલક્ષી સેવાઓ અંગે કરવામાં આવેલા સૂચનોની અમલવારી તથા ચાલુ વર્ષે કરવામાં આવેલી આરોગ્યલક્ષી કામગીરી અંગેની વિગતો રજૂ કરી હતી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer