રાપર તાલુકાની રખાલોનું ઘાસ ફતેહગઢ ગોડાઉનમાં સંઘરાશે

રાપર તાલુકાની રખાલોનું ઘાસ ફતેહગઢ ગોડાઉનમાં સંઘરાશે
રાપર, તા. 28 : ગત ચોમાસા દરમ્યાન મેઘરાજાએ મહેર કરતાં વન વગડામાં લીલોતરી છવાઇ ગઇ છે. ત્યારે આગોતરા આયોજન માટે કચ્છના વન વિભાગ દ્વારા કમર કસીને કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તે મુજબ મુખ્ય વનસંરક્ષકની સૂચનાથી પૂર્વ કચ્છના નાયબ વન સંરક્ષક પી.એ. વિહોલ, એસીએફ એસ.આર. ઠક્કરના માર્ગદર્શન હેઠળ રાપર દક્ષિણ રેન્જના આરએફઓ એસ.એસ. ચૌધરી, વનપાલ વી.આઇ. જોશી, કે.પી. સોલંકી, હેતલબેન જમોડ વિગેરેએ રાપર તાલુકાની બાદરગઢ વનતંત્ર રખાલમાં 25 હેક્ટરમાં ધામણ, કરંડ, હમાટા ઘાસનું વાવેતર કર્યું હતું. જે ઘાસ સૂકાઇ ગયા બાદ પ્રેસ મશીન દ્વારા ઘાસની ગાંસડી બનાવીને ફતેહગઢ ખાતે આવેલાં ઘાસ ગોડાઉનમાં સંગ્રહ કરવામાં આવી રહી છે. આ રખાલમાં અંદાજે ત્રીસ હજાર કિલોથી વધુ પ્રમાણમાં ઘાસ થયું છે. આ વિસ્તારમાં આવેલી અન્ય રખાલમાં પણ ઘાસનું વાવેતર થયું છે, જેમાં અંદાજે પચાસ હજાર કિલો વજનનું ઘાસનું ઉત્પાદન કરવામાં આવે તેવી શક્યતા છે. આ અંગે વનપાલ વી.આઇ. જોશીના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં આવેલા ઘાસના જથ્થાને સંગ્રહ કરીને ફતેહગઢ ખાતે રાખવામાં આવશે અને ઉનાળા દરમ્યાન કે અછતની સ્થિતિ સર્જાય ત્યારે આ જથ્થો પશુઓ માટે તેમજ વન્ય પ્રાણીઓ માટે ઉપયોગી સાબિત થશે. આ રખાલમાં અન્ય વૃક્ષોનું જતન કરવામાં આવી રહ્યું છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer