આત્માને પરમાત્મા સુધી પહોંચાડે ભજન

આત્માને પરમાત્મા સુધી પહોંચાડે ભજન
રાપર, તા. 28 : રંગમંચ અને લલિતકલાઓને સમર્પિત કલા સંસ્થા સંસ્કાર ભારતી રાપર દ્વારા રાપર તાલુકાની 19 ભજનાનંદી કલાકારોની ભજન મંડળીઓનું સન્માન કરવાનો અનોખો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે  સૌરાષ્ટ્ર પ્રાંતના સહકાર્યવાહ મહેશભાઇ ઓઝાએ જણાવ્યું હતું કે, ભજન એ એવો ભકિતરસનો પ્રકાર છે જે આત્માને પરમાત્માથી જોડે છે. ભારતીય સંસ્કૃતિ અત્યાર સુધી મજબૂત હાથોમાં છે. ભારતને ટકાવવાનું કાર્ય આવા અલખના આરાધકો કરી રહ્યા છે. અમેરિકન કલાકાર ભારત પ્રવાસ વખતે આપણા આરાધકોથી પ્રેરાઇને એના દેશમાં ભકિતના ભજનો કરતા થઇ ગયા. શરૂઆતમાં પંકજભાઇ ઝાલાએ સંસ્કાર ભારતીના હેતુ અને કાર્યની માહિતી આપતાં જણાવ્યું કે, છ ઉત્સવો, સંસ્કૃતિને ઉજાગર કરવા છંદ, આખ્યાન, પદો દ્વારા અલખનું આરાધન કરનારા નિજાનંદીઓનું સન્માન થવું જોઇએ. છેવાડાના કલાકારોને યોગ્ય સ્ટેજ મળી રહેશે એની ખાતરી આપી હતી. આ પ્રસંગે રાપર તાલુકાની રાપર, ચિત્રોડ, ભુટકિયા, આડેસર, ગૌવરીપર, જેસડા, બાલાસર, નાગપુર, શિરાનીવાંઢ, રાસાજી ગઢડા, હમીરપર મોટી, કલ્યાણપર, ત્રંબૌ, ગેડી, વલપુર, નીલપર, પલાંસવા, ટિંડેલવા, ફતેગઢ વગેરે વિવિધ 19થી વધારે ભજન મંડળીઓ અને આરાધકોનું સન્માન કરાયું હતું. તેમણે ભજનો પ્રસ્તુત કર્યા હતા. રમેશ સોનપાર, નિપુણ માંકડ, જયમલસિંહ જાડેજા, સામજીભાઇ, નશાભાઇ દૈયા, ઉમેશભાઇ સોની, ડોલરભાઇ ગોરના હસ્તે સન્માન કરાયું હતું. આવકાર પ્રવીણભાઇ શ્રીમાળીએ સંચાલન મહેશભાઇએ આભારવિધિ ઘનશ્યામભાઇ બારોટે કરી હતી. અશોકભાઇ, જગદીશભાઇ, મહાદેવભાઇ, રીગ્નેશભાઇ, યશભાઇ, નવીનભાઇ અને રાયશીભાઇએ વ્યવસ્થા સંભાળી હતી.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer