અંડર-19 વર્લ્ડકપમાં ભારત વટભેર સેમિ.માં

પોચેફસ્ટ્રમ (દ. આફ્રિકા), તા. 28 : વર્તમાન ચેમ્પિયન ભારતીય યુવા ક્રિકેટ ટીમ આઇસીસી અન્ડર-19 વર્લ્ડકપની સેમિફાઇનલમાં પહોંચી છે. આજે રમાયેલી સુપર લીગની કવાર્ટર ફાઇનલમાં ભારતીય ટીમનો ઓસ્ટ્રેલિયાની યુવા ટીમ સામે 74 રને વિજય થયો હતો. આ હારથી કાંગારુ ટીમ અન્ડર-19 વર્લ્ડ કપની બહાર થઇ ગઇ છે. ભારતીય ટીમે આજે પહેલાં બેટિંગ અને બાદમાં બોલિંગથી ચડિયાતું પ્રદર્શન કરીને ઓસિ. સામે જીત હાંસલ કરી હતી. ભારતના 9 વિકેટે 233 રન સામે ઓસ્ટ્રેલિયાની પૂરી ટીમ 43.3 ઓવરમાં 1પ9 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. ભારત તરફથી ઝડપી બોલર કાર્તિક ત્યાગીએ 4 અને આકાશ સિંઘે 3 વિકેટ લીધી હતી. જ્યારે યશસ્વી જયસ્વાલ (62) અને અર્થલ અંકોલકર (અણનમ પપ)એ અર્ધસદી કરી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી ઓપનર સેમ ફેનિંગે 7પ રન કર્યા હતા. પેટ્રિકે 21 અને લીમ સ્કોટે 3પ રનનું યોગદાન આપ્યું હતું. રેકોર્ડ ચાર વખત અન્ડર-19 વર્લ્ડકપ જીતનાર ભારતીય ટીમ ફરી ચેમ્પિયન બનવાથી હવે ફકત બે જીત દૂર છે.આ પહેલાં આઇસીસી અન્ડર -19 સુપર લીગ કવાર્ટર ફાઇનલમાં ભારતીય યુવા ટીમે નિર્ધારિત પ0 ઓવરમાં 9 વિકેટે 233 રનનો સામાન્ય સ્કોર નોંધાવ્યો હતો. ભારતના મિડલઓર્ડર બેટસમેનોએ નિરાશાજનક દેખાવ કર્યો હતો. પૂંછડિયા ખેલાડીઓના પુરુષાર્થથી ભારત 233 રનના સન્માનજનક સ્કોર સુધી પહોંચ્યું હતું. ઓપનિંગ બેટસમેન યશસ્વી જયસ્વાલે સૌથી વધુ 62 રન કર્યા હતા. 82 દડાની ઇનિંગ્સમાં તેણે 8 ચોગ્ગા અને 2 છગ્ગા લગાવ્યા હતા. જ્યારે દિવ્યાંશ સકસેનાએ 14 રન કર્યા હતા. આ પછી તિલક વર્મા બે, સુકાની પ્રિયમ ગર્ગ પાંચ, ધ્રુવ જુરેલ 1પ જલ્દી જલ્દી આઉટ થયા હતા. અંતમાં અર્થવ અંકોલકરે અણનમ પપ રનની લડાયક ઇનિંગ્સ રમીને ભારતને પ0 ઓવરના અંતે 9 વિકેટે 233 રને પહોંચાડયું હતું. તેણે પ4 દડાની ઇનિંગ્સમાં પ ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી કોરે કોલીએ અને ટોડ મર્ફીએ બે-બે વિકેટ લીધી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer