ન્યૂઝી.માં પ્રથમ ટી-20 શ્રેણીજીતનું લક્ષ્ય

હેમિલ્ટન, તા.28: અત્યાર સુધી રમતના દરેક વિભાગમાં શાનદાર પ્રદર્શન કરનાર ભારતીય ટીમ બુધવારે અહીં રમાનારી ત્રીજી ટી-20 મેચમાં ન્યૂઝીલેન્ડમાં પહેલી ટી-20 શ્રેણી જીતવાના લક્ષ્ય સાથે મેદાને પડશે. ટીમ ઇન્ડિયાએ ઓકલેન્ડમાં રમાયેલી પહેલી બે ટી-20 મેચમાં ક્રમશ: 6 અને 7 વિકેટે આસાન જીત નોંધાવી હતી. કોહલીની ટીમ પાંચ મેચની શ્રેણીમાં 2-0થી આગળ છે. સેદન પાર્કમાં આવતીકાલ બુધવારે ત્રીજી  મેચ રમાવાની છે. જ્યાં ભારતને કિવીઝ ધરતી પર પહેલી ટી-20 શ્રેણી જીતવાની તક છે. બીજી તરફ  કેન વિલિયમ્સનના સુકાનીપદ હેઠળની ન્યૂઝીલેન્ડની ટીમ શ્રેણી જીવંત રાખવા આવતીકાલની મેચમાં જીત માટે કરો યા મરો કરશે. આ ટીમ સફળ વાપસી માટે જાણીતી છે. આથી ત્રીજો મુકાબલો વધુ રોમાંચક બની રહેશે. મેચ ભારતીય સમય અનુસાર 12-30થી શરૂ થશે. કોહલીના સફળ સુકાનીપદ હેઠળની ભારતીય ટીમ હાલ શ્રેષ્ઠ ફોર્મમાં છે. 2019ના વન ડે વિશ્વ કપ બાદ તેણે જે પાંચ ટી-20 શ્રેણી રમી છે તેમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. જેમાં આ વર્તમાન સિરીઝ પણ સામેલ છે. આ દરમિયાન ફકત આફ્રિકા સામે શ્રેણી જીતી ન હતી. જે 1-1ની બરાબરી પર રહી હતી. જો કે, આ ફોર્મેટમાં શાનદાર દેખાવ છતાં ટીમ ઇન્ડિયાની રેન્કિંગમાં ખાસ બદલાવ થયો નથી. ટી-20માં હાલ ભારત ટીમ ક્રમાંકમાં પાંચમા સ્થાને છે. ચોથા સ્થાને પહોંચવા વર્તમાન સિરીઝ પ-0થી જીતવી પડે. ન્યૂઝીલેન્ડ છઠ્ઠા સ્થાને છે. જ્યારે પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને આફ્રિકા ભારતથી આગળ છે. બધાની નજર આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાનારી ટી-20 વર્લ્ડ કપ પર છે. ટીમ ઇન્ડિયા પણ આઇસીસીની આ ટૂર્નામેન્ટ માટે યોગ્ય સંયોજન તૈયાર કરી રહ્યંy છે. કે.એલ. રાહુલ અને શ્રેયસ અય્યરનું ફોર્મ ટીમની પ્લસ નિશાની છે. ત્રીજી મેચમાં ભારતીય ઇલેવનમાં મોટા ફેરફારની શકયતા નહીંવત છે. કદાચ શાર્દૂલ ઠાકુરના સ્થાને નવદીપ સૈનીને તક મળી શકે છે. જ્યાં સુધી ન્યૂઝીલેન્ડની વાત છે. તો તેમને શ્રેણી બચાવી રાખવા માટે ત્રીજી મેચમાં જીત જરૂરી છે. તેની ચિંતા ઓલરાઉન્ડર ગ્રેંડહોમનું નબળું બેટિંગ ફોર્મ છે. તે પહેલાં બે મેચમાં ઝીરો અને ત્રણ રનમાં આઉટ થયો છે અને બન્ને વખત જાડેજાનો શિકાર બન્યો છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer