કચ્છમાં અકસ્માત-આપઘાતથી પાંચ જિંદગી રોળાઇ

ગાંધીધામ, તા. 28 : કંડલાના દીનદયાળ પોર્ટમાં નવા બનતા ગોદામના બીમ-કોલમ ઉપરથી નીચે પટકાતાં ઇબ્રાહીમ અબ્બાસ નિગામણા (ઉ.વ.19)નું મોત થયું હતું. તો અન્ય એક યુવાનને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બીજી બાજુ મસ્કા- ગુંદિયાળી વચ્ચે રાવળપીરના સ્થાનક નજીક દિવાદાંડી?ઉપરથી નીચે પટકાતાં ઇશ્વર રણછોડ સોલંકી (ઉ.વ.42)નું મોત થયું હતું.  બીજી બાજુ મેઘપર કુંભારડીમાં મૂળજી મેઘજી રાઠોડ (ઉ.વ.28) નામના યુવાને ગળેફાંસો ખાઇ પોતાનું જીવન ટુંકાવી લીધું હતું. જ્યારે લખપતના નરા  વાડી વિસ્તારમાં અગાઉ દાઝી જનાર મીઠીબાઇ હાજી આરબ નોતિયાર (ઉ.વ.19)એ તેમજ અંજારના ચંદિયામાં  ઝેરી દવાની અસર થયા બાદ રૂપીબેન કરસન આહીર (ઉ.વ.50)એ સારવાર દરમ્યાન દમ તોડી દીધો હતો. દીનદયાળ પોર્ટની જેટી નંબર-બેની  સામે નવા ગોદામ બની રહ્યાં છે. આ ગોદામ ઊભા કરવા હાલમાં બીમ-કોલમની કામગીરી ચાલી રહી છે. ખારીરોહરના ઇબ્રાહીમ નિગામણા અને બિલાલ ઉમર નિગામણા (ઉ.વ.20) નામના યુવાનો આ કોલમ ઉપર કામ કરી રહ્યાં હતા તે દરમ્યાન આ બંને અકસ્માતે નીચે પટકાયા હતા, જેમાં ગંભીર ઇજાઓના પગલે  ઇબ્રાહીમનું મોત થયું હતું. જ્યારે અન્ય યુવાનને સારવાર અર્થે ખસેડાયો હતો. ડીપીટીમાં આવા બનાવો અગાઉ પણ બન્યા છે ત્યારે ફરી એક વખત આ બનાવથી અહીં સુરક્ષાના નિયમોના ધજાગરા ઉડતા હોવાનું બહાર આવ્યું હતું. બીજો બનાવ મસ્કા, ગુંદિયાળી વચ્ચે રાવળપીરના સ્થાનક નજીક દિવાદાંડી પાસે બન્યો હતો. આ દિવાદાંડી ઉપર વાંસના માંચડા ઉપર બેસીને ઇશ્વર સોલંકી કલર કામ કરી રહ્યો હતો. તેવામાં આજે સવારે આ માંચડો તૂટી જતાં યુવાન નીચે પટકાયો હતો. જેમાં તેને માથામાં ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચતાં તેનું મોત થયું હતું.વધુ એક અપમૃત્યુનો બનાવ મેઘપર કુંભારડીના આદિત્ય નગરમાં બન્યો હતો. અહીં રહેનારા મૂળજી રાઠોડ નામના યુવાને ગત રાત્રે અંતિમ પગલું ભરી લીધું હતું. પોલીસે જણાવ્યું હતું કે, આ યુવાનના અગાઉ લગ્ન બાદ છૂટાછેડા થયા હતા અને હાલમાં તેના બીજા લગ્ન થયા હતા. તેની પત્ની કામ અર્થે બહાર ગઇ?હતી. તેવામાં તેણે પત્નીનો દુપટ્ટો પંખામાં બાંધી ગળેફાંસો ખાઇ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. બનાવ પછવાડેનું કારણ અકળ છે.લખપતના નરા વાડી વિસ્તાર ગુરુદ્વારા પાછળ રજાક નોતિયારની  વાડીની બાજુમાં વધુ એક બનાવ બન્યો હતો. જુમારાની મીઠાબાઇ નામની યુવતી ગત તા. 25/1ના અકસ્માતે દાઝી જતાં તેને વધુ સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઇ?અવાઇ હતી. જ્યાં સારવાર દરમ્યાન આ યુવતીએ ગત મોડી રાત્રે છેલ્લા શ્વાસ લીધા હતા.અપમૃત્યુનો વધુ એક બનાવ અંજારના ચંદિયા વાડી વિસ્તારમાં બન્યો હતો. રૂખીબેન નામની મહિલા ગત તા. 25/1ના પાકમાં નાખવાની જંતુનાશક દવા છાંટી રહી હતી. બાદમાં આ મહિલા પાણીના ટાંકામાં કપડાં ધોવા જતાં તે દવા પાણીમાં જતાં અને પાણીની ઝેરી અસર આ મહિલાને થઇ હતી. તેમને પ્રથમ અંજાર અને વધુ સારવાર અર્થે ભુજની જિલ્લા હોસ્પિટલમાં લઇ જવાઇ હતી. જ્યાં સારવાર દરમ્યાન આ મહિલાએ દમ તોડી દીધો હતો. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer